________________
૧૬
રાજા અને યોગી
વેશ વૈરાગીનો અને કાયા કામદેવની; ઉંમર યૌવનની અને આચરણ સાધુ-સંતનું ! સમ્રાટ તો રોજ રોજ એ બાળજોગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવો ફૂટડો જુવાન આવી યૌવનછલકતી ઉંમરે આવો ભેખ લઈ શકે અને એને નભાવી શકે.
તરવરતું યૌવન છે, સુંદર-સોહામણી નમણી કાયા છે. રાજકુમારોને ય ઝાંખો પાડે એવું રૂપ છે અને દેવકુમાર કરતાં ય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણ પાતળિયું શરીર, ગૌર વર્ણ, બ્રહ્માએ નવરાશે ઘડ્યો હોય એવો સર્વાંગસુંદર દેહ, તેજ્વેરતી આંખો, સૌંદર્યના સાર સમી નાસિકા – શરીરનું એક એક અંગ જાણે કોઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવું કામણગારું છે. અને શરીરની એ સમગ્ર સૌંદર્યશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સંયમનો અંચળો ઢાંકી રહ્યો છે !
પણ સૌંદર્ય તો વણબોલ્યું વશીકરણ છે ઃ સૌંદર્યની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખેંચાય એ ન બને – લોહચુંબકની અસરથી લોહ ક્યાં સુધી બચી શકે ? આવા સૌંદર્યને ઢાંકવા ભલે ને યોગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવાં પહેરે, પણ છેવટે તો ‘કર્મ છિપે નહીં ભભૂત લગાયે 'વાળો જ ઘાટ થાય. ક્યારેક તો વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પોતાની શોભાને વધારતો હોય છે – જોનાર એ શણગારને જુએ કે શરીરને ? એટલે તો યૌવનમસ્ત સુંદર શરીરને યોગીનો વેશ વધારે સૌંદર્યઝરતું બનાવી મૂકે છે. આવા સૌંદર્યથી પ્રભાવિત ન થાય એ કાં જોગી, કાં પથ્થર ! સમ્રાટ તો ભારે સંસા૨રસિયો જીવ છે. સૌંદર્યનું પાન કરતાં એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org