________________
પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૫
કષ્ટમાં મૂકવાની વાત કરે એનો શો અર્થ ?' એણે અચકાતાં અચકાતાં પૂછ્યું: “આચાર્યદવ ! આ આત્મદમન અને જાતકષ્ટનો માર્ગ એટલે ?”
તમને સ્પષ્ટ કહું” આર્ય કાલકે મક્કમ અવાજે કહ્યું, મહાનુભાવ ! સાંભળો. મેં મારા મન સાથે નિર્ણય કરી લીધો છે. આ શિષ્યોને શિખામણ કે ઉપાલંભનો એક શબ્દ પણ કહેવાની હવે જરૂર નથી. હવે તો જે કંઈ કરવાનું છે તે મારી જાત ઉપર જ કરવાનું છે. હું આવતી કાલે જ સુવર્ણભૂમિમાં – જ્યાં મારો પ્રશિષ્ય નિગ્રંથ સાગર શ્રમણ શાસ્ત્રોનું અધ્યયન અને એનો પ્રચાર કરીને પોતાની સંયમયાત્રાને સફળ કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે ત્યાં – વિહાર કરી જઈશ. સર્યું આવા અનુયોગના આળસુ અને પ્રમાદપ્રિય શિષ્યોથી !”
શય્યાતર તો સ્તબ્ધ જ બની ગયો : “આચાર્ય ભગવાન ! આ વૃદ્ધ ઉંમરે સુવર્ણભૂમિના વિહારનો આવો સંકલ્પ ! સેંકડો જોજનનો અતિ વિકટ એ પંથ ! ભયાનક જંગલો અને હિંસક પશુઓથી વ્યાપ્ત એ માર્ગ ! પ્રભુ ! આ અવસ્થાએ આવો નિર્ણય ન હોય ! આ તો શિષ્યોના અપરાધે સમસ્ત સંઘને શિક્ષા કરવા જેવું લેખાય ! ક્ષમા, ગુરુ, ક્ષમા !”
આર્ય કાલકે છેવટની વાત કરી : “મહાનુભાવ ! એવી ભાવુકતાથી કામ ન ચાલે. મારો નિર્ણય એ નિર્ણય ! નિમિત્તશાસ્ત્રનું મારું જ્ઞાન મને સ્પષ્ટ દર્શાવે છે કે આ દોષને સુધારવાનો એકમાત્ર આ જ ઇલાજ છે. અને એ ઇલાજનો અમલ કરવો એ મારો પરમ ધર્મ છે. મારા શિષ્યો મારી શોધ કરે ત્યારે તમે મૌન સેવજો અને જ્યારે થાકી-હારીને ખૂબ આગ્રહપૂર્વક તમને પૂછે તો તમે એમને એટલું જ કહેજો કે તમારાથી કંટાળીને તમારા ગુરુ સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પાસે વિહાર કરી ગયા છે.”
શધ્યાતર બિચારો શું બોલે ? એ તો ફક્ત “જી કારો કરીને ભારે હૈયે આચાર્યની આજ્ઞા શિરોમાન્ય કરી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org