________________
૩૮
અમૃત-સમીપે
પદ સંભાળતા રહ્યા છે. શરૂઆતનાં પચીસ કરતાં પણ વધુ વર્ષો સુધી તો તેઓ અમારા પત્રના સંપાદન સાથે ઓતપ્રોત થયેલા સુકાની તેમ જ કાર્યપરાયણ વડીલ તરીકે અમારું માર્ગદર્શન કરતા હતા; છેલ્લાં બાર-ચૌદ વર્ષથી તેઓ એક નિવૃત્ત વડીલ તરીકે પોતાનું જીવનયાપન કરતા હતા. આજે તો એ નિવૃત્ત વડીલ પણ અમારી સાથે નથી, અને એમનો આત્મા અનન્તના પ્રવાસે ચાલી નીકળ્યો છે !
‘જૈન’ પત્રને લોકપ્રિય બનાવવામાં, એના વિકાસમાં અને એને સુવાચ્ય બનાવીને પ્રતિષ્ઠાસંપન્ન બનાવવામાં શ્રી ભીમજીભાઈએ જે જહેમત ઉઠાવી હતી, એનો વિચાર કરીએ છીએ અને અમારું અંતર આભારની લાગણીઓથી ઊભરાઈ જાય છે.
શ્રી ભીમજીભાઈ નિખાલસ, નિરાડંબરી અને અલ્પભાષી સંતપુરુષ હતા, એટલે એમના વ્યક્તિત્વની વિશાળતા બહુ ઓછાના ખ્યાલમાં આવતી; એવો અવસર તેઓ ભાગ્યે જ આવવા દેતા. પણ ઉદાર અને વિશાળ દૃષ્ટિથી અને સહૃદયતાપૂર્ણ મનોવૃત્તિથી એમણે જુદી-જુદી ભાષાઓના સાહિત્યના વિવિધ વિષયોનું જે ખેડાણ કર્યું હતું, અને એને લીધે એમનામાં જે સંસ્કારપ્રીતિ, વિદ્યારુચિ અને સુજનતા પ્રગટી હતી, એ દૃષ્ટિએ એમના જીવનનું મૂલ્યાંકન કરતાં સાચે જ એમનો આત્મા વિરાટ હતો એમ લાગ્યા વગર નથી રહેતું.
પોતાના વિરાટ આત્મા, વિશાળ જ્ઞાન અને તેજસ્વી કલમને અનુરૂપ કાર્યક્ષેત્ર જો એમણે શોધ્યું હોત તો તો તેઓ ‘જૈન' જેવા મર્યાદિત કાર્યક્ષેત્રવાળા સામયિકના બદલે કોઈ મહાન વિદ્યાપ્રવૃત્તિ કે મોટા પત્રકારત્વ સાથે જ સંકળાયેલા હોત. પણ ‘જૈન' પત્ર માટે એ ભારે ખુશનસીબીની વાત બની, કે શ્રી ભીમજીભાઈએ અમારા પત્ર સાથે આત્મીયતા સાધી અને એકધારાં પચીસ કરતાં પણ વધુ વર્ષ સુધી એમની કલમનો પ્રસાદ જનસમૂહ સુધી પહોંચતો કરવાનો યશ ‘જૈન’ પત્રને અપાવ્યો. આવા મહાન અને આવા ભવ્ય લેખકનો સુયોગ વર્ષોનાં વર્ષો સુધી બીજા કોઈ સામાજિક-ધાર્મિક સામયિકને ભાગ્યે જ સાંપડ્યો હશે. અને આમ થવાનું ખાસ કા૨ણ શ્રીયુત સુશીલભાઈનો અમીરી અને ઉમદા સ્વભાવ અને એમની જીવનની કેટલીક અતિ વિરલ ખાસિયતો હોય એમ લાગે છે.
કંચન જેવી નિર્મળ કાયા, પ્રથમ દર્શને જ મન ઉપર છાપ પાડે એવી મધુર, મનોહ૨, ભવ્ય આકૃતિ અને ધારે એટલું રળી લેવાની આવડત આ બધાં છતાં તેઓએ લગ્નજીવનથી અળગા રહેવાનું જ પસંદ કર્યું તે એમના વિશિષ્ટ સ્વભાવને કારણે જ. કોઈની પણ પરાધીનતા ન સ્વીકારવી પડે, પોતાના મનોરાજ્યમાં કોઈની પણ દરમિયાનગીરી વેઠવાનો કે જંજાળમાં સપડાવાનો વખત ન આવે, પોતાની મસ્તી સદા-સર્વદા અખંડ રહે, પોતાને ઇષ્ટ હોય એવાં પુસ્તકોનું વાચન પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org