________________
ડૉ. ગ્લાઝનપ
આવા ધર્મપરાયણ વિદ્વાનને સ્ત્રીઓની નિરક્ષરતા કેમ સહન થાય ? એમના પ્રયત્નોથી “સોસાયટી ફોર ધી એજ્યુકેશન ઑફ વિમેન ઇન ઇન્ડિયા” (સ્ત્રી-શિક્ષણ માટેની ભારતીય સંસ્થા)ની સ્થાપના થઈ, અને એ દ્વારા સ્ત્રીકેળવણીનું કામ આગળ વધારવામાં આવ્યું. સાઠ-પાંસઠ વર્ષ પહેલાંનો એ સમય,
જ્યારે પુરુષોના શિક્ષણનું ધોરણ પણ સાવ અલ્પ હતું; એવા સમયે નારીજાતિની ઉન્નતિ માટે પ્રયત્ન કરનાર શ્રી વીરચંદભાઈ કેવા સેવાભક્ત, કલ્યાણવાંછુ અને દિર્ઘદર્શ હોવા જોઈએ !
આમ ધીમે-ધીમે શ્રી વીરચંદભાઈની સમગ્ર શક્તિઓ સેવાના માર્ગે વળવા લાગી હતી, અને એના લીધે દેશ, ધર્મ અને સમાજને કંઈ-કંઈ લાભ થવાની આશા હતી; પણ કુદરતને એ મંજૂર ન હતું ! સને ૧૮૯૮માં ઇંગ્લેડથી પાછા ફર્યા બાદ એમની તબિયત નાદુરસ્ત રહેવા લાગી, અને સને ૧૯૦૧માં સાતમી ઑગસ્ટના દિને માત્ર ૩૭ વર્ષની નાની ઉંમરે, સાવ અકાળે એમનો આત્મા કોઈ વધુ ઉન્નત સ્થાનની શોધમાં ચાલતો થયો ! મરનાર મરીને ધન્ય બની ગયા, અને જીવનારાને એક સારા વિદ્વાન, સાચા સેવક અને સાચા ધર્મી પુરુષની સદાને માટે ખોટ પડી !
(તા. ૯-૫-૧૯૬૪ (મુખ્ય લેખ), તા. ૨૨-૮-૧૯૬૪ (અંશો))
(૮) ભારતીય-વિધાવિશારદ - ડૉ. હેલ્યુટ વોન ગ્લાઝના
જર્મનીની ગૌરવવંતી ભૂમિ જેમ શૂરાઓ અને સાહસિકોની જનેતા છે, તેમ એણે વિશ્વમાં માન મુકાવે એવા જ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓની પણ જગતને ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે શાખાઓ અને ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓના પ્રકાંડ વિદ્વાનો જેવા જર્મની દેશે પેદા કર્યા છે, એવા બીજા કોઈ બહારના દેશે ભાગ્યે જ પેદા કર્યા હશે. મેક્સમૂલર (જેઓ સંસ્કૃત ભાષાના વિશિષ્ટ જ્ઞાનને લીધે પોતાની જાતને “ભટ્ટ મોક્ષમૂલર' કહેવામાં આનંદ માનતા), પૉલ ડૉયસન, ડૉ. હર્મન યાકોબી, પ્રો. જ્યોનેસ હર્ટલ, ડૉ. શુબિંગ, રુડોલ્ફ ઓટો વગેરેનું નામ લઈએ છીએ, અને એમની નિષ્ઠાપૂર્ણ વિદ્યોપાસના આગળ આપણું શિર ઝૂકી જાય છે. સદ્ગત ડૉ. હેલ્યુટ ગ્લાઝનપ પણ ભારતીય સંસ્કૃતિના ઉપાસકોની આ પવિત્ર વણઝારના એક વિખ્યાત સહપ્રવાસી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org