________________
ઉ૧૪
અમૃત–સમીપે એક બહેન ગુણવત્તા અને વિપુલતા એ બંને દૃષ્ટિએ સાહિત્ય-સર્જનની દુનિયામાં ચિરકાળ સુધી એક વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એવા અદ્ભુત સાહિત્યનું સર્જન કરી શકે છે અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે છે એનું જીવંત ઉદાહરણ શ્રીમતી આશાપૂર્ણાદેવીમાં જોવા મળે છે. એમની આવી અનોખી સિદ્ધિ ઉપર, એમને એનાયત થયેલ “જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કારથી સુવર્ણકળશ ચડ્યો છે; એ રીતે એમનું નામ અને કામ અમર બની ગયું છે.
તેમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી વાત એ છે કે પોતાની આવી ઉત્કટ સાહિત્યસાધના, સર્જનની વિરલ પ્રતિભા અને નવી-નવી કથાઓનું સર્જન કરવાની અંતરમાં ઊભરાતી ઊર્મિઓ પોતાનાં વર, ઘર અને કુટુંબની સાચવણીમાં અને સામાજિક ફરજોમાં અંતરાયરૂપ ન બને એનું તેઓ હમેશાં ધ્યાન રાખે છે. એટલે મોટા ભાગનું લેખન તેઓ રાતના ઉજાગરા વેઠીને કરે છે !
એમનું બચપણ સુખમાં વીત્યું હતું. પંદર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં ત્યારે પણ એમને સુખ-શાંતિભર્યું વાતાવરણ મળ્યું હતું, અને ઓછા કરિયાવર કે એવા જ કોઈ નિમિત્તે સાસરિયાંનાં મેણાં-ટોણાં સાંભળવાનો વખત નહોતો આવ્યો. ઉપરાંત, આ બધાથી વધારે ભાગ્યશાળી ગણાય એવો સંયોગ તો એમને એ મળ્યો હતો, કે એમના પતિ તરફથી એમને પોતાના લેખનકાર્યમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળતું રહેતું હતું. આટલી શક્તિ હોવા છતાં તેઓ રાજકારણથી હમેશાં અળગાં રહ્યાં છે અને પોતાના કર્તવ્યના પાલન અને સાહિત્યસર્જન દ્વારા આનંદ અને સંતોષ મેળવતાં રહ્યાં છે. આવા અનુકૂળ બાહ્ય સંયોગો અને આંતરિક ગુણવત્તા જેવાં પરિબળોએ એક તેજસ્વી અને વિશિષ્ટ સર્જનપ્રતિભા ધરાવતાં સન્નારીની આપણા દેશને ભેટ આપી તે આપણી ખુશનસીબી છે.
તેઓ “કળાને ખાતર કળાના છીછરા અને નુકસાનકારક આદર્શના બદલે “જીવનને ખાતર કલા'ના મંગલકારી આદર્શના ઉપાસક છે; આની ઘેરી અસર એમની રચનાઓ ઉપર પડેલી છે. તેથી જ એ રચનાઓ કલ્યાણકારી અને લોકપ્રિય બની શકી છે અને બીજા પુરસ્કારોથી પણ સન્માનિત થયેલ છે,
શ્રીમતી આશાપૂર્ણાદેવી કે ભૂતકાળમાં થયેલ અને હાલ વિદ્યમાન તેજસ્વી, શક્તિશાળી અને સત્ત્વશીલ સન્નારીઓની કાર્યસિદ્ધિઓને જોઈને, નારીસમાજમાં રહેલી અનેકવિધ શક્તિઓને પોતાનાં દિવ્યજ્ઞાન અને અહિંસા-કરુણાથી પારખીને એમને આત્મવિકાસની પૂરેપૂરી મોકળાશ કરી આપનાર અને એને પોતાના ધર્મસંઘમાં આદરભર્યું સ્થાન આપનાર મહાવીરસ્વામીની દિવ્યદૃષ્ટિ, સમતાવૃત્તિ અને ઉપકારક દૃષ્ટિ આગળ આપણું શિર ઝૂકી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org