________________
શ્રી ચંદનમલજી નાગોરી
૫૨૧
એવું આદર્શ હતું, અને એમનું જાહેર જીવન પ્રતિષ્ઠાવિધિઓ, પૂજનો, મહાપૂજનોનાં વિધિ-વિધાનો, બીજી-બીજી ધર્મક્રિયાઓ, જીર્ણોદ્ધાર, જિનમંદિરનિર્માણ કે પ્રતિષ્ઠાવિધાન માટેની સલાહ-સૂચનાઓ, સાહિત્યસર્જન વગેરે અનેકાનેક ધર્મપ્રવૃત્તિઓથી ભર્યું-ભર્યું હતું. વીતરાગ તીર્થંકરોએ આત્મસાધના માટે ઉદ્બોધેલ અપ્રમત્તતાનો મહાન ગુણ એમના જીવન સાથે સહજપણે એકરૂપ બની ગયો હતો.
ધાર્મિક વિધિવિધાનો અને જિનમંદિરોના શિલ્પશાસ્ત્રના ગુણ-દોષોના જાણકાર અને સલાહકાર તરીકેની એમની કામગીરીની અસાધારણ વિશેષતા એ હતી કે આવા ધર્મકાર્ય માટે બહારગામ જવું પડે તો તેઓ પોતાની અંગત સગવડ-અગવડનો વિચાર બાજુએ મૂકીને જતા; એટલું જ નહીં, પણ એવા પ્રવાસનો ખર્ચ પણ પોતે જ ઉઠાવતા ! ધર્મની સેવા કરવાનો આ ક્રમ છેક એમની વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષો સુધી ચાલુ રહ્યો હતો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિનાં મૂળ હૃદયમાં ઊંડે સુધી રોપાયાં હોય અને ધર્મની ઉપકારિતાની પૂરેપૂરી પ્રતીતિ થઈ હોય તો જ જીવનમાં આવી ધ્યેયનિષ્ઠા અને કર્તવ્યબુદ્ધિ કેળવાય છે.
શ્રી નાગોરીજી અને તેમના સમોવડયા શ્રી ફૂલચંદભાઈ આદર્શ વિધિકારો તરીકે વિનમ્રતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, નિઃસ્વાર્થભાવ, ઉદારતા વગેરે કેવાકેવા ગુણો ધરાવતા હતા ! અત્યારના આપણા વિધિકારોએ એમનાં જીવનમાંથી ઘણું-ઘણું શીખવા જેવું છે. ક્યારેક-ક્યારેક અત્યારના વિધિકારોનાં વાણી-વ્યવહાર અંગે ફરિયાદ સાંભળવા મળે છે, ત્યારે લાગે છે કે આપણે ધર્મના પાયાને વીસરીને બાહ્ય આડંબર અને ધામધૂમને વધારે પડતું મહત્ત્વ આપીએ છીએ. આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
શ્રી નાગોરીજીએ અનેક દેરાસરો તથા એના જીર્ણોદ્વારો માટે તેમ જ ધાર્મિક વિધાનો માટે સલાહ અને માર્ગદર્શન આપવા ઉપરાંત ૧૪૭ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી હતી – સત્કાર્યો પ્રત્યેની કેવી તમન્ના તથા ઊંડી રુચિ ! તત્ત્વજિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓએ ધર્મગ્રંથોનું ઠીક-ઠીક અધ્યયન કર્યું હતું; તે ઉપરાંત મંત્ર-તંત્રશાસ્ત્ર સંબંધી પુસ્તકોનું પણ એમને સારા પ્રમાણમાં અધ્યયન કરવું પડ્યું હતું. આવા અધ્યયનને પરિણામે જ તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સ્થાનોમાં એક આદરણીય અને બહુમાન્ય વિધિવિધાનકાર તથા સલાહકાર તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા.
વળી, તેમણે જેમ અનેક ધર્મપુસ્તકો અને વિધિવિધાન તેમ જ મંત્રતંત્રશાસ્ત્રને લગતાં પુસ્તકોનું અધ્યયન કર્યું હતું, તેમ જુદા-જુદા વિષયનાં, નાનાં-મોટાં ૮૦ જેટલાં પુસ્તકોનું સર્જન પણ કર્યું હતું. એમનાં કેટલાંક પુસ્તકોની તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org