________________
મહાત્મા ગાંધી
. ૪૦૩
ગાંધીજીનું શરૂઆતનું જીવન એક સામાન્ય માનવીના જીવન જેવું જ હતું. પણ જયારે એમના અંતરમાં સત્યને પામવાની ઉત્કટ ઝંખના જાગી ઊઠી, અને એ માટે પૂરેપૂરા ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ બનીને એમણે અવિરત પુરુષાર્થ આદર્યો, ત્યારે એમનો જે વિકાસ થયો અને એમનામાં આંતરિક તાકાતનો જે અદમ્ય પ્રવાહ ફૂટી નીકળ્યો, તે ન કલ્પી શકાય એવી અસાધારણ હતો – વામન પોતાની સાધનાને બળ કેવો વિરાટ બની શકે છે એનો એ પ્રત્યક્ષ દાખલો હતો. સમગ્ર રીતે વિચારીએ તો ગાંધીજીનું જીવન આત્મામાં રહેલી અનંત શક્તિના વિકાસનું એક જીવંત અને આશાપ્રેરક ઉદાહરણ બની રહે એવું છે.
ગાંધીજીને સત્યમાં જ પરમેશ્વરનાં દર્શન થતાં હતાં. ક્રમે-ક્રમે એમનું મન એ જ પરમેશ્વરને પામવા તરફ ઢળતું ગયું. એ દિશાના નિષ્ઠાભર્યા પ્રયત્નથી આંતરિક આનંદનો જેમ-જેમ એમને અનુભવ થતો ગયો, તેમ-તેમ જીવનમાં સત્યનો સાક્ષાત્કાર કરવાની એમની ઝંખના ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. આ ઝંખનાએ એક બાજુ એમને અહિંસા, પ્રેમ અને મૈત્રીની સાધના કરવાની અને બીજી તરફ મન, વાણી અને કર્મ વચ્ચે એકરૂપતા સાધીને જીવનમાં નિદભવૃત્તિ, નિર્ભયતા અને શુચિતાની પ્રતિષ્ઠા કરવાની પ્રેરણા આપી. પરિણામે ગાંધીજી જીવનશુદ્ધિના ધ્યેયને વરેલા એક આત્મસાધક સંતપુરુષ જેમ જીવ્યા.
ગાંધીજીના સતત ઊર્ધ્વગામી આત્માને સત્ય, અહિંસા, કરુણા જેવી દેવી સંપત્તિનો લાભ કેવળ પોતાને જ મળે એ કેવી રીતે મંજૂર હોઈ શકે ? એમની ઝંખના તો વિશ્વના આત્માઓ સાથે એકરૂપતા અનુભવવાની હતી. આ ઝંખનાએ એમને અન્યાય અને અધર્મ સામે ઝઝૂમવાની અને દીન-દુઃખી, દલિત-પતિત માનવજાતનો ઉદ્ધાર કરવા માટે પ્રવૃત્તિશીલ થવાની પ્રબળ પ્રેરણા આપી. આ ધ્યેયને સિદ્ધ કરવા સાધ્યની જેમ સાધનની પણ સંપૂર્ણ શુદ્ધિ માટેનો ગાંધીજીનો આગ્રહ અતિ વિરલ અને દાખલારૂપ બની રહે એવો છે.
- અન્યાયનો પ્રતિકાર ન્યાયથી, અધર્મનો પ્રતિકાર ધર્મથી અને હિંસાનો પ્રતિકાર અહિંસાથી કરવો – એ એમની ઊંડી ખોજ અને પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ બન્યું. આ માર્ગને, તેઓએ, વખત આવ્યે બદલી શકાય એવી નીતિ તરીકે નહીં, પણ પ્રાણાંતે પણ ન ત્યજાય એવા ધર્મ તરીકે સ્વીકાર્યો. જીવનના અંત સુધી પોતે સ્વીકારેલા આ ધર્મમાર્ગને તેઓ વળગી રહ્યા હતા એ વાતની સાક્ષી એમના જીવનની અનેક ઘટનાઓ આપી શકે એમ છે. એમનું મહાબલિદાન તો, સત્ય અને અહિંસાના પાલનમાં થતી આકરી અગ્નિપરીક્ષા વચ્ચેના અવિચળ એવા અર્થપૂર્ણ વૈર્યની ગાથારૂપ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org