________________
૪૪૦
અમૃત-સમીપે
આપણા સંઘમાં વિસ્તરી રહેલ શિથિલતાને રોકવા માટે સને ૧૯૬૩ની સાલમાં, ‘શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘસમિતિ'ની સ્થાપના કરવામાં આવી ત્યારે એના સંચાલન માટે જે સાત સભ્યોની કાર્યવાહક સમિતિ નીમવામાં આવી હતી, એમાં શ્રી અમૃતલાલ શેઠને પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે એમની ધર્મશ્રદ્ધા, સંઘકલ્યાણની બુદ્ધિ અને શિથિલતાનું નિવારણ કરવાની ધગશ ઉપર શ્રીસંઘને કેટલો વિશ્વાસ હતો.
વિ. સં. ૨૦૦૮માં આપણી કૉન્ફરન્સનું સુવર્ણજયંતી-અધિવેશન, મુંબઈમાં મળ્યું, ત્યારે એના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી એ બીના એમની સમાજસેવાની ભાવનાનો ખ્યાલ આપે છે.
(૧૪) વિદ્યાપ્રેમી શ્રેષ્ઠી શ્રી છોટેલાલજી જૈન
ભાગ્યયોગે શ્રીમંતાઈ, અને સહજ અભિરુચિના યોગે વિદ્યાપ્રીતિના સંસ્કાર લઈ જન્મેલા શ્રીયુત બાબુ છોટેલાલજી જૈને પોતાના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીનો સુમેળ સાધી જાણ્યો હતો. આવા એક વિદ્યાપ્રેમી અને વિદ્યાસેવી શ્રીમાનનું, કલકત્તામાં, ૭૦ વર્ષની ઉંમરે તા. ૨૬-૧-૧૯૭૬ના રોજ દુઃખદ અવસાન થયું છે એની નોંધ લેતાં અમે દિલગીરી અનુભવીએ છીએ.
(તા. ૨૨-૧-૧૯૭૭)
કલકત્તાના જૈનસંઘમાં અને ખાસ કરીને ત્યાંના દિગંબર-જૈનસંઘમાં બાબુ છોટેલાલજીનું સ્થાન બહુમાનભર્યું હતું. વળી જૈન ધર્મ અને સાહિત્યનો દેશમાં તથા દેશ બહાર પ્રચાર થાય એ એમની ખાસ ભાવના રહેતી. જૈન ઇતિહાસ અને પુરાતત્ત્વ તરફ એમને ખાસ અભિરુચિ હતી. સમયે-સમયે તેઓ આ કે એવા અન્ય વિષયોને લગતા લેખો પણ લખતા હતા. છેલ્લે-છેલ્લે દેશ-વિદેશમાં પ્રગટ થયેલાં અંગ્રેજી પુસ્તકોમાં કયા વિદ્વાને જૈનધર્મ અંગે શું લખ્યું છે એની એક વિસ્તૃત યાદી તૈયાર કરવાના કામમાં તેઓ મગ્ન હતા; પણ આ કામ તેઓ પૂરું કરે તે પહેલાં જ તેઓનો સ્વર્ગવાસ થયો. અમારી જાણ મુજબ કેટલાંક વર્ષ પહેલાં આવો એક સંગ્રહ એમણે તૈયાર કર્યો હતો.
શ્રી છોટેલાલજીએ દાનના માર્ગે પોતાની શ્રીમંતાઈને યશસ્વી અને કૃતાર્થ બનાવી હતી. ગુપ્તદાનમાં એમને ખૂબ રસ હતો. વળી અનેક સંસ્થાઓની સ્થાપનામાં તેમ જ સાચવણીમાં એમનો નોંધપાત્ર ફાળો હતો. આતિથ્ય અને વિદ્વાનોના સંપર્ક-સત્કાર તરફ પણ એમને ઘણી રુચિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org