________________
અમૃત-સમીપે
વિપુલ જૈન સાહિત્ય તેમ જ અન્ય સર્વજનઉપયોગી સાહિત્યના પ્રકાશનના ઉદ્દેશથી તેઓએ તેઓનાં પત્નીના સહકારથી, સને ૧૯૪૪ની સાલમાં ‘ભારતીય જ્ઞાનપીઠ'ની સ્થાપના કરી ત્યારે તેઓ ૩૩ વર્ષના ભરજુવાન હતા. આ ઉંમરે ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રની ઉન્નતિ કરવા દ્વારા દેશના સાંસ્કૃતિક ઉત્થાનમાં ફાળો આપવાની અને એ માટે ઉદારતાથી દાન આપવાની ભાવના જાગવી એ પરમાત્માની મોટી કૃપા જ લેખાવી જોઈએ. ભારતીય જ્ઞાનપીઠને વિદ્યાપ્રસાર, સાહિત્ય-પ્રકાશન અને કળાના પ્રોત્સાહનની એક શ્રેષ્ઠ સંસ્થા તરીકેની કીર્તિ અપાવવામાં શ્રી સાહુજીએ, પોતાની બાકીની ૩૩ વર્ષ જેટલી અરધી જિંદગી સુધી, તન-મન-ધનથી જે કામગીરી બજાવી હતી તેનો જોટો મળવો મુશ્કેલ છે.
૪૩૭
ભારતીય જ્ઞાનપીઠે સાહુજીનાં માતુશ્રી મૂર્તિદેવીની સ્મૃતિમાં પ્રકાશિત કરેલાં જૈન સાહિત્યનાં પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાનાં સંખ્યાબંધ પુસ્તકોએ તથા બધા ય લોકો વાંચી શકે એવા લલિત સાહિત્યનાં અનેકાનેક હિંદી પુસ્તકોએ એ સંસ્થાને વિશ્વવિખ્યાત બનાવી હતી એમ કહેવું જોઈએ. જ્ઞાનપીઠનાં પુસ્તકો જેમ ગુણવત્તામાં તેમ સ્વચ્છ, શુદ્ધ, સુઘડ છાપકામની દૃષ્ટિએ પણ ઉત્તમ કોટીનાં છે. તેમાં ય પંદર-સોળ વર્ષ પહેલાં તેઓના એકાવનમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે એમનાં પત્ની અને પુત્રોની ઉદાત્ત ભાવનાથી સ્થપાયેલ એક લાખ રૂપિયાના સાહિત્યિક પુરસ્કારથી તો શ્રી સાહુજીના કુટુંબની તેમ જ જ્ઞાનપીઠની કીર્તિ ઉપર જાણે સુવર્ણકળશ ચડી ગયો છે.
વળી, આપણા દેશના સુપ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના સંચાલનમાં અને વિકાસમાં પણ તેઓનો ફાળો યાદગાર બની રહે એવો હતો. આવા શક્તિશાળી, ભાવનાશીલ, દાનશૂર, વગદાર અને બાહોશ પુરુષ એમના દિગંબર જૈનસંઘમાં ક્રમે-ક્રમે સર્વોચ્ચ સ્થાને પહોંચે અને સહુ કોઈના આદરનું ભાજન બને એમાં શી નવાઈ ?
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની ઉજવણી દેશભરમાં વ્યાપક રાષ્ટ્રીય ધોરણે થાય એ માટે શ્રી સાહુજીએ જે અવિરત જહેમત ઉઠાવી હતી અને એને ચોમેર સફળ બનાવવામાં જે અસાધારણ ફાળો આપ્યો હતો તે બીના, એમની ધર્મપ્રભાવનાની તથા અહિંસાના પ્રસાર માટેની ધગશની સાક્ષી પૂરીને સહુ કોઈને ધર્મકાર્યના સહભાગી બનવાની પ્રેરણા આપતી રહેશે.
(તા. ૨૬-૧૧-૧૯૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org