________________
શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ
૪૦૫
(૩) ગુજરાતના સુખદુઃખના સાથી, મહાજન શેઠ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ
મહાજન-પ્રથા એ ગરવી ગુજરાતનું ગૌરવ છે, એની શક્તિ છે, સંકટસમયનો એનો સધિયારો છે. નવા જમાનાએ લોકજીવનના આધારરૂપ જે કેટલીક સારી વસ્તુઓને ભૂંસવા માંડી છે, એમાં આવી નિર્બળના બળરૂપ અને સમાજના મંગળરૂપ મહાજનપ્રથાનો પણ સમાવેશ થાય છે. ધીમે-ધીમે એ પ્રથા ઇતિહાસનો વિષય બનતી જતી લાગે છે; સાથે-સાથે મહાજન-પદને સાચા અર્થમાં શોભાવે એવી વ્યક્તિઓ પણ દુર્લભ બનતી જાય છે. કાયદાબાજીના જાળામાં અટવાઈને જે કામને પૂરું થતાં મહિનાઓ, અને ક્યારેક તો વર્ષો પણ ઓછાં પડે છે, એ કામ મહાજનપ્રથામાં બહુ ઓછા સમયમાં પાર પડી જતું હતું. આ પ્રથાના અસ્ત અને કાયદાબાજીના ઉદયને લઈને આપણે જાણે કાર્યવિલંબની અટવીમાં અટવાઈ ગયા છીએ.
મહાજન એટલે સામાન્યમાં સામાન્ય પ્રજાજનના સુખ-દુઃખનો સાથી અને એના ભલા માટે પ્રયત્ન કરનાર મુરબ્બી. એ કોઈથી દબાય નહીં, કોઈની શેહ-શરમમાં ખેંચાય નહીં, નિર્ભયપણે સાચું બોલે અને સાચું આચરે, સહુના ભલામાં પોતાનું ભલું માને અને કોઈના અકલ્યાણનો ક્યારેય ભાગીદાર ન બને. દુ:ખિયાનો એ દિલાસો અને અસહાયનો આધાર ! સારા કામમાં એ સદા સાથ અને સહાય આપે !
શેઠ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ બડભાગી ગૂર્જરભૂમિના આવા જ એક સાચા મહાજન છે; ગુજરાતનાં સુખ-દુઃખના સદાના સાચા સાથી છે. ગુજરાતને માથે જરા પણ સંકટ આવે તો એમનું દિલ બેચેન બની જાય છે, એમની ઊંઘ ઊડી જાય છે, એમનો આરામ હરામ બની જાય છે – પછી એ આફત કુદરતનિર્મિત હોય કે બેસમજ રાજકારણીઓએ સર્જેલી હોય ! ગુજરાત સમૃદ્ધ, સુખી અને આબાદ બને એ જ એમના મનોરથો છે. એમાંના કેટલાય મનોરથો એમણે અનેક કાબેલ અને નિષ્ઠાવાન આગેવાનો અને સાથીઓનો સહકાર મેળવીને સફળ કર્યા છે, અને બીજા અવનવા મનોરથોને સિદ્ધ કરવા, આજે પંચોતેર વર્ષની જૈફ ઉમરે પણ, તેઓ એક યુવાનને પ્રેરણા આપે એવી ધગશથી કામ કરે છે. ઈશ્વરની એ મોટી કૃપા સમજવી કે ઈસુની વીસમી સદીમાં જેમ ગુજરાતને પાછું પાડનારાં અનેક પરિબળો ફૂટી નીકળ્યાં, તેમ આઠે પહોર અને સાઠે ઘડી ગુજરાતનો અભ્યદય વાંછનારા અને એ માટે સતત પ્રયત્ન કરનારા મહાનુભાવોનો પણ ઉદય થતો રહ્યો. ગૂર્જરભૂમિનું કલ્યાણ વાંછનારા આવા મહાનુભાવોમાં શ્રી અમૃતલાલ શેઠનું નામ મોખરે રહે એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org