________________
શ્રી અમૃતલાલ શેઠ
૩૪૧ સર કરવા જેવું ભયંકર કાર્ય હતું! છતાં રાષ્ટ્રમુક્તિના સંગ્રામના ઇતિહાસકારે કબૂલ કરવું પડશે કે દેશી રજવાડાંઓના આ ભયંકર મોરચે શ્રી શેઠે પોતાની કારકિર્દીને બરાબર પાર પાડી હતી, ઊજળી કરી દેખાડી હતી.
શ્રી શેઠનું સ્મરણ થતાં એમનું સૌ પહેલું જે રૂપ આપણી સમક્ષ ખડું થાય છે તે છે એક વેગવાન, તેજદાર અને ધાર્યું નિશાન પળમાં પાડી શકનાર સચોટ પત્રકાર તરીકેનું. એમનાં સૌરાષ્ટ્ર', “ફૂલછાબ” અને “જન્મભૂમિ' પત્રોએ તો ગુજરાતી પત્રકારત્વના નવા માર્ગોનું ખેડાણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતી પત્રકારત્વના વિકાસનો જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે શ્રી શેઠનાં આ ત્રણ પત્રો એક પ્રકારનાં સીમાસ્તંભોરૂપ બની રહેશે. વળી પત્રકાર તરીકેનાં શ્રી શેઠનાં સાહસો - તેમાં ય રાષ્ટ્રનેતા શ્રી સુભાષબાબુ અને બર્મામાંના આઈ. એન. એ.ની હકીકતો મેળવવા માટે તેમણે ખેડેલાં સાહસો – તો આપણી બહુમૂલી મૂડી બની રહેશે.
“સૌરાષ્ટ્ર' પત્રે તો ગુજરાતી ભાષાનું નવી જ રીતે ખેડાણ શરૂ કર્યું હતું, અને ભાષાના સમગ્ર પ્રવાહ ઉપર પોતાની અસર જમાવી દીધી હતી. તીરની જેમ હૈયા-સોંસરું ઊતરી જાય એવું વેધકપણું, દિલ અને દિમાગને હચમચાવી મૂકે એવું તેજીલાપણું અને લાગણીને થનગનાવી કે ઉશ્કેરી મૂકે એટલી હદનું જોશીલાપણું એ ગુજરાતી ભાષાને શ્રી શેઠના સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની તથા એ સંસ્થાનાં બીજાં પ્રકાશનોની ભેટ છે એમ આધુનિક ગુજરાતી ભાષાનો ઇતિહાસ લખનારને કબૂલ્યા વગર નહીં ચાલે. શ્રી શેઠની પોતાની લેખનશૈલીનો વિચાર કરીએ છીએ, ત્યારે તો એમનું લખાણ અંતરને વલોવી નાખે એવું હોવા છતાં હંમેશાં શબ્દો કરતાં દલીલો ઉપર અને દલીલો કરતાં ય હકીકતોના નક્કર પાયા ઉપર જ ઊભા રહેવાનું પસંદ કરતા તેઓ આપણી નજરે ખડા થાય છે. વકીલ અને ન્યાયાધીશ જેવી તેમની કાબેલિયત અહીં આપણને પૂર્ણરૂપે જોવા મળે છે.
અને આટલું હોવા છતાં, એમના નિકટ પરિચયમાં આવનાર સહુ કોઈ જાણે છે કે શ્રી શેઠના દિલમાં હંમેશાં હેતનું સરોવર હિલોળા માર્યા કરતું હતું. નિરાશા અને ઉદાસીનતાને તો જાણે તેઓ જાણતા જ ન હોય એમ હંમેશાં આશાભર્યા અને આનંદી રહેતા. કાળબળે એમને નિવૃત્તિ લેવરાવી તો ચાંદીવલીની અનેકવિધ ખિલવણીમાં એમણે પોતાની શક્તિઓને કામે લગાડી. નિષ્ક્રિય બેસી રહેવું એ એમના સ્વભાવથી વિરુદ્ધ હતું.
આવા એક ભડવીર નરને આંસુની અંજલિઓ અધૂરી પડશે, પ્રશંસાનાં પુષ્પો પણ એના આત્માને નહીં સંતોષી શકે; એને તો ખપશે જે કાજે એ જીવ્યા અને ઝઝૂમ્યા એ માતૃભૂમિની આજીવન સાચી સેવાની આકરી પ્રતિજ્ઞા !
(તા. ૭-૮-૧૯૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org