________________
૨૨૨
અમૃત-સમીપે જેસલમેર જેવા દૂર-સુદૂરના એક ખૂણામાં આવેલા, કોઈ પણ પ્રકારની સાધન-સામગ્રી વગરના અને અનેક અગવડોથી ભરેલા સ્થળમાં સોળ-સોળ માસ જેટલા લાંબા સમય લગી, પૂ. પુણ્યવિજયજી મહારાજ આદિ મુનિવરોએ મૂકપણે, અદીનભાવે અને અનેરા ઉત્સાહપૂર્વક પોતાની શ્રુતભક્તિને મૂર્ત કરવા જે ભગીરથ પુરુષાર્થ સેવ્યો તે માટે જૈન સમાજ તેમનો ચિરકાળપર્યત ઓશિંગણ રહેશે, અને સાહિત્યસેવાના ઇતિહાસમાં આ પુણ્ય ઘટના સોનેરી અક્ષરે નોંધાયેલી રહેશે. વળી આ અપૂર્વ શ્રુતભક્તિ અનેક જ્ઞાનવાંછુઓને પ્રેરણા આપતી રહેશે.
જેસલમેરના આ પ્રાચીન ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવારૂપ ઘટનાનું મહત્ત્વ કેવળ જૈન સંસ્કૃતિ કે જૈન સાહિત્ય પૂરતું જ મર્યાદિત માની લેવાની જરૂર નથી; એથી તો સમગ્ર ભારતીય સાહિત્યની પણ પ્રશંસાપાત્ર અને વિશેષ ઉલ્લેખનીય સેવા સધાઇ છે, અને મહારાજશ્રી ભારતીય સાહિત્યજગતના પણ આભારના અધિકારી બની ગયા છે.
કાર્યમાં સદા સર્વદા એકાગ્ર બનીને મગ્ન રહેવું અને જેટલું કરવું એટલું નક્કર કાર્ય કરવું એ ૫. પુણ્યવિજયજી મહારાજની ખાસિયત છે. આગતા-સ્વાગતા કે સામૈયાંના ભપકા-ઉત્સવ-મહોત્સવ અને માન-સન્માનની ધામધૂમ કે પ્રશંસાના મનમોહક ઉદ્ગારો જેવી અલ્પજીવી પ્રવૃત્તિઓમાં ન અટવાતાં, ચિરજીવી અને આગામી અનેક સૈકાઓ લગી સમાજને ખપ લાગનારી નક્કર સેવાને જ પૂ. મહારાજશ્રીએ પોતાના અંતરમાં વસાવી એ જૈન સમાજનું મહદ્ ભાગ્ય !
તાજેતરમાં (ઈ.સ. ૧૯૫૧માં) જૂનાગઢ મુકામે ભરાયેલ આપણી કૉન્ફરન્સના મુખ્યમંત્રીઓના નિવેદનમાં, સ્વાગત-પ્રમુખના ભાષણમાં, કૉન્ફરન્સના પ્રમુખશ્રીના વક્તવ્યમાં અને કૉન્ફરન્સે પસાર કરેલ પાંચમા ઠરાવમાં જે લાગણી પ્રદર્શિત કરવામાં આવી છે તે સમયોચિત અને યથાર્થ છે. પ્રમુખશ્રી શેઠ કાંતિલાલ ઈશ્વરલાલે આ અંગે કહ્યું છે : “જેસલમેરના જ્ઞાનભંડારના જીર્ણોદ્ધાર અંગે પૂજ્યશ્રી પુણ્યવિજયજી મહારાજે જે ભગીરથ પ્રયત્ન આદર્યો છે, તે શુભ કાર્યમાં કૉન્ફરન્સ ભાગીદાર બની શકી તે આપણા ઇતિહાસમાં હંમેશ માટે યાદગાર પ્રસંગ લેખાશે. પૂજ્ય મહારાજશ્રી પુણ્યવિજયજી કે જેમનું આવું આખું જીવન આવાં રચનાત્મક કાર્યો પાછળ ખર્ચાય છે, તેવા મુનિરાજો માટે જૈન સમાજ ખૂબ મગરૂરી લઈ શકે. જેસલમેર જેવા રણપ્રદેશમાં જ્ઞાનની પાછળ સેવા આપનાર આવી વિભૂતિને આપણાં વંદન હજો.”
જેસલમેરની ગ્રંથસમૃદ્ધિની અને મહારાજશ્રીની કામગીરીની, દિલ્હીમાં બેઠાં, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીને જે માહિતી મળી, તેને લીધે “પ્રાકૃત-ટેસ્ટ સોસાયટીની સ્થાપના શક્ય બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org