________________
આચાર્ય વિજયસમુદ્રસૂરિજી
૧૭૩
નહીં, પણ અન્ય હિંદુઓ અને મુસલમાન ભાઈઓનાં પણ દિલ એવાં જીતી લીધાં કે એ બધાએ મળીને એક અઠવાડિયું રોકાવાનો પ્રેમભર્યો આગ્રહ કર્યો. છેવટે આચાર્યશ્રી એક દિવસ વધુ રોકાવા કબૂલ થયા.
બીજા દિવસે તેઓ વિહાર કરવાની જેવી તૈયારી કરવા લાગ્યા કે રસિ એહમદખાં નામના એક પઠાણ ભાઈ આચાર્યશ્રી પાસે પહોંચ્યા, અને એમણે ભક્તિ અને લાગણીથી ઊભરાતા સ્વરે કહ્યું : “મહારાજ, આજ તો હું આપને કોઈ રીતે જવા નહીં દઉં.” અને પોતાની વાતને વધારે હૃદયસ્પર્શી બનાવવા એમણે વધારામાં કહ્યું : “છતાં જો તમે આજે જ જવા માગતા હો તો હું આપના માર્ગમાં મારા શરીરને આડું ધરી દઈશ; એના ઉપર થઈને જ આપ જઈ શકશો.” દિલી પ્રેમની કોણ અવગણના કરી શક્યું છે ? અને તેમાં ય આ તો ભદ્રપ્રકૃતિના એક ધર્મગુરુ ! આચાર્યશ્રીએ એ ભાઈના આગ્રહ આગળ પોતાની વિહારની વાત પડતી મૂકી, અને એક દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું. પઠાણ તો રાજી-રાજી થઈ ગયો; એને થયું: ‘આવો અમૂલ્ય અવસર મળ્યો છે તો હું શું કરું અને શું ન કરું ?' એણે પૂછ્યું, “મહારાજ, કહો હું કેટલા ઘડા દૂધ લાવું ? કહો એટલા ઘડા હાજર કરું. આપ ભોજન માટે શું શું લેશો ? કૃપા કરી ફરમાવો”
આચાર્યશ્રીને થયું, જેણે આવી નિર્વ્યાજ ધર્મપ્રીતિ દાખવી એને કંઈક એવું અમર જીવનભાતું આપવું જોઈએ, જે એનું જીવનભર કલ્યાણ કરી શકે. લોઢું જાણે ટિપાવાને માટે બરાબર તપી ગયું હતું. આચાર્યશ્રીએ અવસર પારખી લીધો અને પઠાણને માંસભક્ષણ અને મદિરાપાનના દોષો સરળતાપૂર્વક સમજાવવા માંડ્યા. પઠાણના દિલને આચાર્યશ્રીની ધર્મવાણી સ્પર્શી ગઈ, અને એણે એ જ વખતે પ્રતિજ્ઞા કરી : “મહારાજ ! આજથી મારે અને મારાં સંતાનોને માંસ અને મદિરા હરામ !” પછી તો ધર્મભાવના અને લોકલાગણીનો બરાબર રંગ જામ્યો; અને એક-એક દિવસ કરતાં આચાર્યશ્રી વગેરેએ નવ દિવસ સુધી એ કવાલ ગામમાં સ્થિરતા કરી! આ શુભ પ્રસંગના સ્મરણરૂપે એ ગામની જનતાએ ગામની પ્રાથમિક નિશાળનો ઉદ્ધાર કરીને શ્રી આત્મ-વલ્લભ-સમુદ્ર જ્યૂનિયર હાઇસ્કૂલ ઊભી કરવાનો નિર્ણય કર્યો, અને આગળ જતાં એમાંથી કૉલેજ થાય એવી ભાવના દર્શાવી. સાથે-સાથે આ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી કેટલાય હિંદુ અને મુસલમાન ભાઈઓએ અમુક અમુક વસ્તુના ત્યાગ કરવાનો શપથ લીધા. સરદાર સુરજિતસિંહે આ કામ માટે પંદરસો રૂપિયા ભેટ આપ્યા. જ્યારે આ નવી નિશાળનું ખાતમુહૂર્ત ક૨વામાં આવ્યું ત્યારે હિંદુ, મુસલમાન અને હરિજન એ સમસ્ત પ્રજામાં આનંદની ઊર્મિ પ્રસરી ગઈ. આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે સૌનાં નેત્રો આંસુભીનાં બન્યાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org