SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અમૃત-સમીપે પિતા વ્યવસાય માટે વિ.સં. ૧૯૪૦માં સપરિવાર વઢવાણ કેમ્પ (વર્તમાન સુરેન્દ્રનગર) જઈને વસ્યા. સમય જતાં ત્યાં જ એમનો કાયમી વસવાટ થયો. કેશવજીનું મન બચપણથી જ ધર્મ અને વૈરાગ્ય તરફ વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં વિ. સં. ૧૯૪૯ની સાલમાં, ફક્ત ત્રણ જ દિવસનાં અંતરે, માતા અને પિતા બંને ગુજરી ગયાં ! કુટુંબનું શિરછત્ર સંકેલાઈ ગયું અને છ ભાઈનું આખું કુટુંબ ઉપર આભ અને નીચે ધરતી જેવું કારમું નિરાધારપણું અનુભવી રહ્યું. ભાઈઓમાં કેશવજી બીજા ક્રમે હતા. એ સમજણા અને લાગણીશીલ હતા. માતાપિતાના સ્વર્ગવાસથી એમના અંતરને પણ મોટો આઘાત લાગ્યો હતો. પણ એ આઘાતથી વધારે પડતા હતાશ-નિરાશ થવાને બદલે તેઓ બે દિશામાં મંથન અનુભવી રહ્યાં હતાં : એક દિશા કુટુંબ ઉપર સાવ અણધારી આવી પડેલી નિરાધારતાના વાદળને રોકવા માટે પુરુષાર્થનો માર્ગ અપનાવવાની સૂઝતી હતી, બીજી બાજુ સંસારની અસારતાના આવો અતિ વસમા અનુભવથી, સર્વ દુઃખોના ઉપાયરૂપ ભગવાન તીર્થંકરે ઉદ્ધોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કરવાની દિશા દેખાતી હતી. આ તાણખેંચને કારણે કેશવજીનું ચિત્ત ઊંડા મનોમંથનમાં પડી ગયું; શું કરવું અને કયા માર્ગે જવું એનો નિર્ણય કરવાનું મુશ્કેલ બની ગયું. પણ આનો અંત આવતાં વધુ વખત ન લાગ્યો; છેવટે ધર્મભાવનાનો વિજય થયો, અને વિ. સં. ૧૯૫૦ની સાલમાં, કેશવજીએ, એ વખતના પ્રતાપી અને સમતા-શાંતિના અવતાર મુનિવર્ય શ્રી કમલવિજયજી મહારાજ (આચાર્યશ્રી વિજયકમલસૂરિજી મહારાજ) પાસે વડોદરામાં ત્યાગધર્મનો સ્વીકાર કર્યો. પાંગરતા યૌવનની ૧૭-૧૭ વર્ષની વયે, કેશવજી, મુનિ કેસરવિજયજી બની ધન્ય બન્યા. ભૂખ્યાને મનભાવતા ભોજન મળે એમ કેસરવિજયજી હોંશથી જ્ઞાન તથા ચારિત્રની અપ્રમત્ત આરાધનામાં એકાગ્ર બની ગયા. જેમ-જેમ સંયમયાત્રા આગળ વધતી ગઈ તેમ-તેમ એમનું હૃદય આત્મશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર સાથે વિશ્વમૈત્રીના અમોઘ ઉપાયરૂપ ધ્યાનયોગ તરફ વધારે આકર્ષતું ગયું. - ધ્યાનયોગ માટેની આવી ઉત્કટ તાલાવેલીને કારણે એમના દિલમાંથી સ્વપર-ગચ્છની પામર, સંકુચિત અને કદાગ્રહી મનોવૃત્તિ તો ક્યારની ભૂંસાઈ ગઈ હતી; પણ સાથે-સાથે સ્વ-પર-ધર્મ અંગે રાગ-દ્વેષ પોષતી અહંતા પણ શમી ગઈ હતી, અને “સારુ અને સાચું તે જ મારું' એવી સત્યધર્મના પાયારૂપ વ્યાપક ગુણગ્રાહક દૃષ્ટિથી એમનું શ્રમણજીવન વિશેષ ગૌરવશાળી બન્યું હતું. યોગસાધનાના માર્ગો શોધવા અને સમજવા માટે તેઓએ કેવા-કેવો પ્રયાસ કર્યો હતો, કેવી-કેવી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો હતો, ક્યાં-ક્યાં વિહાર અને નિવાસ કર્યો હતો એની વિગતો ધ્યાનસાધના માટેની એક ઉત્તમ માર્ગદર્શિકા બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy