________________
૧૧૭
અમૃત-સમીપે
તેઓ લાગેલા રહે છે. આ વિદ્યાનિષ્ઠાએ જ એમને એક-એકથી ચડિયાતા સ્થાને દોરીને વિદ્વાનોના આદરપાત્ર અને યશના ભાગી બનાવ્યા છે.
સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણના પ્રકાંડ પંડિત અને જૈન આગમસૂત્રોના અધિકારી જ્ઞાતા તરીકે વિખ્યાત પંડિતવર્ય શ્રી બેચ૨દાસ જીવરાજ દોશીના તેઓ પુત્ર હતા. એમનાં માતુશ્રીનું નામ અજવાળીબહેન. સૌરાષ્ટ્રમાં આવેલ એમના વતન વળા(પ્રાચીન વલભીપુર)માં તા. ૨૩-૬-૧૯૨૩ના રોજ એમનો જન્મ. એમનો ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં થયો હતો.
પિતા પાસેથી મળેલી વિદ્યાવારસામાં તેજસ્વી બુદ્ધિ, વિદ્યાવૃત્તિ અને ધ્યેયનિષ્ઠાનું તેજ ભળ્યું, અને શ્રી પ્રબોધભાઈ વિદ્યા-વિકાસના એક પછી એક સીમાડા સર કરતા ગયા. બી.એ. સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં રહીને કર્યો. મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ વિષય અર્ધમાગધી લઈને એમણે પ્રથમ વર્ગમાં બી.એ.ની ડિગ્રી મેળવી. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં રહીને તેઓ એમ.એ. થયા. એમ.એ.માં એમનો મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન હતો. એમ લાગે છે કે ડૉ. પ્રબોધભાઈને ભાષાવિજ્ઞાનના મર્મજ્ઞ વિદ્વાન તરીકે જે નામના મળી તેનાં બીજ અહીં રોપાયાં. એમ.એ. પછી પીએચ. ડી.ની ડિગ્રી માટેનો મહાનિબંધ તૈયાર કરવા માટે તેઓ લંડનની ‘સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ અને આફ્રિકન સ્ટડીઝ' નામે વિદ્યાસંસ્થામાં દાખલ થયા. એમણે ભારતીય વિદ્યા અને ભાષાના નામાંકિત વિદ્વાન ડૉ. ટર્નરના માર્ગદર્શન નીચે વિક્રમની પંદરમી સદીના પ્રાચીન ગુજરાતી ભાષાના જૈન ગ્રંથ શ્રી તરુણપ્રભ-વિરચિત ‘ષઆવશ્યક બાલાવબોધ’ ઉપર મહાનિબંધ લખીને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી.
શ્રી પ્રબોધભાઈ લંડનમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ભાવનગરના શ્રી ધીરુબહેન પારેખ પણ ત્યાં અભ્યાસ કરતાં હતાં. એમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને સને ૧૯૫૦માં ડૉ. પ્રબોધભાઈ પંડિત હિંદુસ્તાન પાછા ફર્યા, અને ૨૭ વર્ષની ઉંમરે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને ભાષાવિજ્ઞાનના એક પીઢ અને નિપુણ અધ્યાપક તરીકેની એમની યશોજ્વલ કારકિર્દીનો પ્રારંભ થયો. વિદ્યાઉપાર્જનના ક્ષેત્રે જેમ તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ સાધતા ગયા હતા, તેમ અધ્યાપનના ક્ષેત્રમાં પણ તેઓની કારકિર્દી ઘણી વિકાસશીલ અને યશસ્વી બનતી ગઈ હતી. ભાષાવિજ્ઞાનના એક પારગામી શાતા તરીકે દર વર્ષે, અમુક મહિના માટે તેઓને પરદેશમાં જવું જ પડતું હતું. છેલ્લાં દસેક વર્ષથી તેઓએ દિલ્હી યુનિવર્સિટીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું, અને ભાષાવિજ્ઞાનના અધ્યયન-સંશોધનની બાબતમાં પોતાની જાતને નીચોવીને એ વિષયમાં એ યુનિવર્સિટીને ખૂબ નામના અપાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org