________________
શ્રી હરિવલ્લભ ભાયાણી
૮૫
આ પત્ર ઉપરથી સૂચિત થાય છે એમ, પ્રો. હીરાલાલભાઈએ પોતાની વિદ્યાસાધનાના સમયનો ઘણો મોટો ભાગ જૈન સાહિત્યની સેવાને અર્પણ કર્યો હતો, જે માટે જૈનસંઘ તેઓનો ખૂબ ઋણી છે.
શ્રી હીરાલાલભાઈના હાથે નાનાંમોટાં સોએક જેટલાં પુસ્તકો તૈયાર થયાં હતાં, જેમાંનાં મોટા ભાગનાં પ્રકાશિત થયેલાં હોવા છતાં અમુક હજી પણ અપ્રગટ છે. આ પુસ્તકોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદનભાષાંતર-વિવેચનવાળાં પુસ્તકો ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી ભાષામાં લખેલાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. તેઓના લેખોની સંખ્યા સાતસો કરતાં પણ અધિક છે, અને એમણે રચેલ એકસો જેટલાં કાવ્યો પણ પ્રસિદ્ધ થયાં છે.
તેઓના સાહિત્યિક તથા સંશોધનાત્મક લેખોની બે વિશેષતાઓ વિશેષ ધ્યાન ખેંચે એવી છે : એક તો પોતાના લેખમાં જે-તે વિષયને લગતી બને તેટલી વધુ સામગ્રી અને માહિતી આપવાનો તેઓ હંમેશાં પ્રયાસ કરતા રહેતા. બીજી વિશેષતા એ કે જે વિવાદાસ્પદ કે અનિશ્ચિત મુદ્દા અંગે પોતે નિર્ણય ન આપી શકતા તે તરફ તે વિષયના જાણકાર વિદ્વાનનું ધ્યાન દોરીને તે માટે ઘટતું કરવા સૂચવતા.
(તા. ૨૩-૬-૧૯૭૯)
(૨૨) પ્રતિભાશીલ ભાષામર્મજ્ઞ શ્રી હરિવલ્લભ ભાયાણી
હસતો ચહેરો, નમ્રતાથી નીતરતો સ્વભાવ અને સરસ્વતીના લાડકવાયા જેવું પાંડિત્ય ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણીના જીવનમાં સધાયેલો આ ત્રિવેણીસંગમ એમના થોડા પણ પરિચયમાં આવનાર સૌ-કોઈના અંતરમાં બહુમાનની લાગણી જન્માવે છે.
-
શ્રી ભાયાણીનું મૂળ વતન મહુવા. આર્થિક દૃષ્ટિએ એમની સ્થિતિ બહુ જ સામાન્ય હતી; એટલે એમને માટે આગળ વધવું એ શૂન્યમાંથી સર્જન કરવા જેવું મુશ્કેલ કામ હતું. પણ અર્થનો વૈભવ એમને ભલે ન મળ્યો હોય, બુદ્ધિનો વૈભવ તો એમને મળ્યો જ હતો; અને સાથે નક્કી કરેલ કામને પૂરું કરવાનું દૃઢ મનોબળ અને એ માટે શાંત પુરુષાર્થ કરવાની ટેવ ભળ્યાં, એટલે માતા સરસ્વતીની એમના ઉપર ખૂબ મહેર થઈ.
તેઓ ધીમે-ધીમે આપબળે અભ્યાસમાં આગળ વધતા રહ્યા અને મુખ્ય વિષય તરીકે સંસ્કૃત લઈને તેઓએ બી.એ. તથા એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. પછી એમનું ધ્યાન પ્રાકૃત ભાષા અને વિશેષ કરીને અપ્રભ્રંશ ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org