________________
જિનમાર્ગનું જતન
એટલે રાજકારણ એ તો હવે અનિવાર્ય જ બની ગયું છે એમ સમજીને આપણે ચાલવું જોઈએ. આ રાજકારણના પ્રવેશ માટે પૂર્વતૈયારી શી કરવી જોઈએ એ પણ અમે ગયા અંકમાં દર્શાવ્યું છે, અને ત્યાં અમે લખ્યું છે કે વિદ્યા, કળા અને હુન્નરનાં વિવિધ ક્ષેત્રોમાં આપણે આપણા યુવાનોને પાવરધા બનાવવા જોઈએ.
વળી, જો આપણે ઇતિહાસના અજવાળે આપણા ભૂતકાળને તપાસીએ, તો આપણને સ્પષ્ટ જણાયા વગર નહીં રહે કે રાજકારણ એ જૈનો માટે ન તો અજાણ્યું ક્ષેત્ર છે કે ન તો એ સાવ નવી કોઈ વાત છે. આપણા અનેક પ્રતાપી પૂર્વજોએ – શ્રમણો તેમ જ ગૃહસ્થોએ – રાજકારણનું ખેડાણ કરીને આપણા ધર્મનો ઉદ્યોત કરવાની સાથેસાથે આપણા સર્વજીવ-સમભાવ-પરાયણ ધર્મનો આશ્રય સહુ કોઈને માટે સુલભ કર્યાનાં અનેક ઉદાહરણો ઇતિહાસનાં પાને નોંધાયેલાં પડ્યાં છે.
४०
રાજકારણ ઉપર કે રાજકારણી પુરુષો ઉપર પ્રભાવ પાડવાની મનોવૃત્તિ પાછળ ધર્મપુરુષોની એક જ ધર્મબુદ્ધિ રહેલી હતી, કે જો રાજા બૂઝશે અને ધર્મમાર્ગને અનુસ૨શે તો એની આવકારપાત્ર અસર આખી પ્રજા ઉપર થશે; અને એ રીતે આખો જનસમૂહ સંસ્કારી, ન્યાયી અને ધર્મી બનશે. આપણા પ્રભાવક પૂર્વાચાર્યોએ રાજાઓનો સંપર્ક આ દૃષ્ટિએ જ કેળવ્યો હતો, અને એમ કરીને સર્વકલ્યાણકારી અહિંસાધર્મની પ્રભાવના કરવાનો અને એની અસરને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આચાર્ય બપ્પભટ્ટીસૂરિ, શીલગુણસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજ્યસૂરિજી વગેરે અનેક સમર્થ પૂર્વાચાર્યો આનાં જ્વલંત ઉદાહરણો છે.
જૈનધર્મને પોતાના કુળધર્મ તરીકે સ્વીકારનાર રાજાઓની સંખ્યા ભલે ઓછી રહી હોય, છતાં જૈનધર્મ ઉપર પ્રીતિ, ભક્તિ અને મમત્વની લાગણી ધરાવનાર રાજાઓ તો અનેક થઈ ગયા એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઉપરાંત નાનાં-મોટાં સંખ્યાબંધ રાજ્યોમાં મહામંત્રી કે દીવાન, મંત્રી કે પ્રધાન, કોષાધ્યક્ષ, દંડનાયક, સેનાપતિ જેવા પદે રહીને રાજા અને પ્રજાની સેવા કરનાર જૈન મહાનુભાવોની તો છેક જૂના ભૂતકાળથી લઈને તે સાવ નજીકના (કદાચ સ્વરાજ્ય આવ્યા પહેલાંના) ભૂતકાળ સુધી એક મોટી પરંપરા જ જોવા મળે છે. હજી ગઈ કાલની જ વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત, સોરાષ્ટ્ર, કચ્છ જેવાં પશ્ચિમ ભારતનાં કેટલાંય રજવાડાંઓમાં જૈનોએ દીવાન, કારભારી કે કોષાધ્યક્ષ તરીકેની સત્તા ભોગવીને કે છેવટે એક શક્તિશાળી તેમ જ બુદ્ધિશાળી પ્રજાજન કે નાગરિક તરીકે પોતાના અહિંસાધર્મનો પ્રભાવ વધારવાની સાથે લોકકલ્યાણનાં અનેક કાર્યો કરીને તેમ જ અન્યાય-અધર્મ-અત્યાચારનો સામનો કરીને કે એની સામે પ્રજાનો અણગમો વ્યક્ત કરવાના એક સમર્થ માધ્યમ તરીકેની કામગીરી બજાવીને જૈન મહાજન તરીકેની નામના મેળવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org