________________
૩૬૨
જિનમાર્ગનું જતન સેવ, ચેવડો આદિ ખાદ્યપદાર્થ તથા દવાઓ લઈને હોડીમાં પહોંચી ગયા હતા અને સૌને આપ્યાં હતાં.”
વીરાયતનમાં ચાલતી પ્રવૃત્તિઓની આ વિગતો એટલી સ્પષ્ટ છે કે એ અંગે વધારે વિવેચન કરવાની જરૂર નથી. આ ઉપરથી ખાસ સમજવા જેવી વાત તો એ છે કે એક ધર્મગુરુ ધારે તો લોકકલ્યાણ દ્વારા ધર્મશાસનની પ્રભાવનાને કેટલું બધું પ્રોત્સાહન આપી શકે છે અને દાનના પ્રવાહને નવી અને વધુ ઉપયોગી દિશામાં કેવી રીતે વાળી શકે છે. આ બધું ઉપાધ્યાય કવિજી શ્રી અમરમુનિજીની કરુણાભાવના, ઉદારષ્ટિ અને સેવાવૃત્તિનું જ પરિણામ છે એ કહેવાની જરૂર નથી.
(તા. ૧૯-૨-૧૯૭૭)
(૧૦) જૈનધર્મજિજ્ઞાસુઓનો અપૂર્વ આશ્રય:
“શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર, જુદાજુદા વિષયોની વિદ્યાઓનું તલસ્પર્શી, વ્યાપક અને મર્મગ્રાહી અધ્યાપન એ ધર્મ, દેશ કે સમાજને એટલે કે સમસ્ત, પ્રજાવર્ગને સંસ્કારી, સ્વમાની અને ખમીરદાર બનાવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ વાત છેક પ્રાચીનકાળથી આપણા દેશના (તેમ જ અન્ય સંસ્કારસંપન્ન દેશોના) ધર્મસ્થાપકો, ઋષિમુનિઓ તેમ જ પ્રાજ્ઞ પુરુષો કહેતા આવ્યા છે અને વર્તમાનમાં પણ કોઈકોઈ ધર્મપુરુષો મારફત આ વાત આપણને જાણવાસાંભળવા મળે છે. આમ છતાં, એ દિશામાં આપણી જોઈએ એટલી સક્રિયતા જોવા મળતી નથી. પરિણામે, એક બાજુ ઉપરછલ્લી જ્ઞાનસાધના અને જીવનચર્યા એ બે વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ ન હોય એવી હાલત જોવા મળે છે, તો બીજી બાજુ વિદ્યાસાધકો તેમ જ વિદ્યાર્થીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવવામાં આવતો હોય એવું કંઈક શોચનીય ચિત્ર જોવા મળે છે.
જ્ઞાનોપાસના, જ્ઞાન અને જ્ઞાનીઓ પ્રત્યેની આવી ઉપેક્ષાવૃત્તિના માઠા સમયમાં, કોઈ વ્યક્તિ અથવા સંસ્થામાં જ્ઞાનની ઉપાસના કરનાર વ્યક્તિઓને ઉપકારબુદ્ધિથી નહીં પણ કર્તવ્યબુદ્ધિથી સહાય કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ જોવા મળે, ત્યારે એને ઉલ્લાસપૂર્વક આવકારવાનું મન થાય એ સ્વાભાવિક છે. આવી જ એક ઉમદા અને આદર્શ પ્રવૃત્તિની જાણકારી મળવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org