________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૮
૨૬૭
પત્રિકા'ના સંપાદક શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહે પંજાબની “શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળા'નો “પંજાબની એક આદર્શ પાઠશાળા' એ શીર્ષકે જે વિગતવાર પરિચય એ પત્રિકાના ગત ફેબ્રુઆરી માસના અંકમાં આપ્યો છે, તે વાંચવો રસપ્રદ જ નહીં, પણ એ ક્ષેત્રના કાર્યકરોને ઉપયોગી થઈ પડશે; તેથી એ અમે અહીં સાભાર ઉદ્ભત કરીએ છીએ :
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે પંજાબના જૈનસમાજ માટે સ્થળે સ્થળે જૈનમંદિરો બનાવ્યાં, ત્યારે તેમના મનમાં એવી ભાવના હતી કે હવે આ મંદિરના સાચા પૂજારીઓ બનાવવા માટે સરસ્વતી-મંદિરોની સ્થાપના કરવી જોઈએ. તેમની એ ભાવનાને યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે આકાર આપ્યો, અને પંજાબમાં અનેક સ્થળે શાળાઓ, વિદ્યાલયો, કૉલેજ આદિ સંસ્થાઓની સ્થાપના થઈ. પરંતુ રાજ્યની પ્રણાલિકા અનુસાર આ સંસ્થાઓ માત્ર વ્યાવહારિક શિક્ષણ પૂરતી જ મર્યાદિત રહી; જ્યારે ગુજરાવાલાના શ્રી આત્માનંદ જૈન ગુરુકુલે વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ આપવા માંડ્યું અને તેમાં બહુ સારી પ્રગતિ કરી. અન્ય શબ્દોમાં કહીએ તો તેણે પંજાબમાં ધર્મભાવનાની એક અપૂર્વ લહરી પ્રકટાવી દીધી, અને તેથી સારો ય જૈન સમાજ પ્રભાવિત થયો. પરંતુ એવામાં પંજાબનું વિભાજન થયું અને એ સંસ્થા સમેટાઈ ગઈ. તેથી ઘણાને આઘાત લાગ્યો; પણ તેઓ સમસમીને બેસી રહ્યા અને હવે શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા.
આ વખતે લુધિયાનાના એક નવયુવક શ્રી માથ્થી શાહને વિચાર આવ્યો કે ધાર્મિક શિક્ષણ માટે હાલ કોઈ મોટી સંસ્થા સ્થાપી ન શકીએ તો નાની સંસ્થા સ્થાપવી; પણ તેના અભાવે સમાજના ધાર્મિક સંસ્કારોમાં ક્ષતિ તો ન જ આવવા દેવી. અને તેમણે માત્ર સેવાભાવથી પ્રેરાઈને ચાર વિદ્યાર્થીઓની સંખ્યાથી પાઠશાળા શરૂ કરી દીધી.
“યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને આ પાઠશાળાને વ્યવસ્થિત રૂપ આપવાની સૂચના કરી. પરિણામે સને ૧૯૫૧ના ઓગસ્ટની ૧૪મી તારીખે ૨૦ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે “શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળા નામની સંસ્થાની સ્થાપના થઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગી. આજે એ પાઠશાળામાં ૮૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જૈનધર્મનું ઉચ્ચકોટિનું શિક્ષણ પામી રહ્યા છે.
“આ પાઠશાળા રાત્રે દોઢ કલાક કામ કરે છે અને તેમાં ચાર શ્રેણીઓ છે, જેમાં ચૈત્યવંદન, દેવપૂજા, સામાયિક અને પ્રતિક્રમણ ઉપરાંત જૈનધર્મના ઊંડા તત્ત્વજ્ઞાનની શિક્ષા આપવામાં આવે છે. તેમ જ કર્મસિદ્ધાંત, ગુણસ્થાન, પ્રમાણ તથા જૈનદર્શનના કઠિન વિષયોનો પણ પરિચય કરાવવામાં આવે છે. આ અભ્યાસક્રમ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org