________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૮
મુંબઈથી શ્રી કુમારપાળ વિ. શાહના સંપાદકપણા નીચે પ્રગટ થતા ‘વર્ધમાન જૈન' લઘુપાક્ષિકના તા. ૧૫-૪-૧૯૭૬ના અંકમાં ‘ચમારોને અભિનંદન’ નામે લખાણ આ સત્યનું સમર્થન કરે છે. એ સૌ જિજ્ઞાસુઓને જાણવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“સવાઈ માધવપુર જિલ્લો. તેમાં હિડૌન ગામ. ગામમાં ૧૫ હજારથી વધુ ચમાર કોમની વસ્તી. તેમનો વ્યવસાય મોટા ભાગે કડિયાકામ અને સુથારીકામનો. કેટલાક ખેતી પણ કરે, તો કેટલાક નોકરી પણ કરે છે. જાતે ચમાર, પણ હૈયાથી જૈન. ભગવાન મહાવીરના પરમ ભક્ત. ગામમાં જિનમંદિરમાં ધાતુની પ્રતિમાની તેઓ ભક્તિ કરે.
૨૦૭
“અમારા તાજેતરના પ્રવાસમાં આ ભાઈઓએ એક મકાન બનાવ્યું. પણ અમે માત્ર ચાર દીવાલનું ઈંટ-ચૂનાનું મકાન ન જોયું; અમે ત્યાં ઈંટ-ચૂનામાં ભળેલ ચમારભાઈઓની ભક્તિ જોઈ, ભાવના જોઈ, જિનેશ્વર પ્રત્યેનો પ્રેમનો ઉત્સાહ અને ઉમંગ જોયો.
“અમને જાણવા મળ્યું કે એક-એક રૂપિયો કરી, તેઓએ રૂ. ૩૦ હજાર ભેગા કર્યા હતા. તેમાંથી જૈનમંદિરના નિર્માણ માટેની સામગ્રી લાવ્યા; પણ પરિશ્રમ છતાં ચણતર પૂરું ન થયું.
“આ ભાવનાઘેલા ભાઈઓએ અમને કહ્યું : ‘અમારે ભગવાનને મંદિરમાં બેસાડવા છે, પણ અમને તેની સૂઝ નથી પડતી. મકાન તો ચણવા લીધું. પરંતુ પૈસાના અભાવે પૂરું કરી શક્યા નથી.’
“અમે રાતના એક સભા બોલાવી. સભામાં ચાર હજારથી વધુ ચમાર જૈનો હાજર રહ્યા . અમે તેઓને ભક્તિ અને ભોજનની સમજ આપી, અને તમે નહિ માનો; તે જ સમયે આ સમાજના આગેવાન નવયુવકે પોતાના ભાષણમાં ઘોષણા કરી કે અમારા સમાજમાંથી આજ પછી હવે કોઈ દારૂ-માંસનો સ્પર્શ નહિ કરે, આજથી અમે તેને તિલાંજલિ આપીએ છીએ. અમારા સમાજમાંથી તે જે કોઈ લેશે તેનો સમગ્ર સમાજ બહિષ્કાર કરશે.
“સભામાં અમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી મહાવીરસ્વામીજીના દર્શનીય ફોટા આપ્યા. પાઠશાળાઓ શરૂ કરવાના તેમ જ અધૂરા મંદિરને પૂર્ણ કરવાના પણ ત્યાં નિર્ણય લેવાયા.
છેલ્લે આપને યાદ આપીએ કે આ ભાઈઓ ફાગણ વદ બીજના દિવસે દર વરસે ભવ્ય રથયાત્રા કાઢે છે. તેમાં આસપાસનાં હજારો ભાઈ–બહેનો જોડાય છે.” આ લખાણનો ફલિત અર્થ એ થયો કે માનવીને માત્ર કુળપરંપરાથી મળેલ ધર્મ એ એનો ધર્મ નહિ, પણ જે વ્યક્તિ જે ધર્મને પાળી જાણે તે એનો ધર્મ.
(તા. ૨૬-૬-૧૯૭૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org