________________
૧૬૪
જિનમાર્ગનું જતન
“આ વિષયમાં મુંબઈ જીવદયા-મંડળી કમિટીના સભ્ય જાણીતા જૈન શહેરી શ્રી ખીમજી માંડણ ભુજપુરિયાએ મંડળીને પત્ર લખી ધ્યાન ખેંચ્યું હતું કે ખાદીગ્રામોદ્યોગ ભંડારોમાં એ હિંસક ઉદ્યોગની ખિલવણી અને વસ્ત્રોનું ઉત્પાદન ન થાય તે માટે મંડળીએ પ્રશ્ન ઉપાડી લેવો જોઈએ. મંડળી તરફથી ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન શ્રી વૈકુંઠભાઈ મહેતાને પત્ર લખી તે ઉદ્યોગ બંધ કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે એ બાબત માન્ય રાખી જે જવાબ મંડળીને પાઠવ્યો છે તેનો સાર આ મુજબ છે : “જે કાપડના ઉત્પાદન માટે કકુન જીવડાંઓને મારવાં પડે છે, તે તમે જણાવ્યા પ્રમાણે અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે તે બાબત વિરોધ કરી શકાય તેમ નથી. પણ ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનનો હેતુ ગામડાંના કુટિર-ઉદ્યોગોને ખિલવવાનો હોવાથી રેશમના ચાલુ ગ્રામઉદ્યોગને મદદ આપવાની કાયદેસર રીતે ના કહી શકાય નહિ; વળી, એ પણ જણાવી દઉં કે ખાદી ભંડારોમાં તેવી ખાદી વેચવાની પદ્ધતિ નવીન દાખલ થયેલી નથી. જ્યારે મહાત્મા ગાંધી ખાદી-હિલચાલ ચલાવતા હતા અને તેનું માર્ગદર્શન કરતા હતા ત્યારે મલ્લેરી જાતનાં રેશમી કપડાં વેચવાની છૂટ આપવામાં આવી હતી. કમિશન તમારા પત્રના મુદ્દાઓની કદર કરે છે. તેથી જે સંસ્થાઓ આજે તેવું રેશમ પેદા કરે છે તેને ઉત્તેજન આપવાને બદલે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં અન્દી અને મુગા રેશમની કેટલીક જાતો, જેમાં હિંસા કરવી પડતી નથી, તેનું ઉત્પાદન ચાલુ કરવાના પ્રયાસો કરવાનો ખાદી-કમિશને નિર્ણય કર્યો છે.'
ઉપરના ખુલાસાથી જણાશે કે હિંસા કર્યા વગર પણ રેશમ પેદા થઈ શકે છે, જે ખાદી-ભંડારોમાં મળે છે. ખાદી-કમિશને જીવદયા-મંડળીના મુદ્દાનો સ્વીકાર કરી, અહિંસક રેશમના ઉત્પાદનને ઉત્તેજન આપવાનો નિર્ણય કર્યો તે માટે તેમનો આભાર માનવો ઘટે છે. પરંતુ તેની સફળતા ત્યારે જ થાય કે જ્યારે અહિંસક સમાજ હિંસક રેશમને બદલે અહિંસક રેશમનો જ ઉપયોગ કરે. તેમ કરવાથી તે હિંસાની અનુમોદનામાંથી બચી અહિંસક રેશમના ઉત્પાદનના ઉદ્યોગ દ્વારા રોટી પૂરી પાડવાના પુણ્યનો ભાગીદાર બને છે. પજુસણના પવિત્ર દિવસોમાં જૈન સમાજ કતલ થયેલાં જાનવરોનાં ચામડાં, પ્રાણીજન્ય દવાઓ, ઇજેક્શનો અને હિંસક રેશમ વગેરેનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કરે તો હિંસાની અનુમોદનાના પાતકમાંથી દૂર રહી શકશે.”
અમારું કહેવાનું એ છે કે રેશમ એ કોઈ એવી અનિવાર્ય વસ્તુ નથી કે જેના વગર જીવન ન ચાલી શકે, કે ધર્મપાલનમાં બાધા આવે. એટલે સૌથી સારું તો એ છે કે એનો ઉપયોગ જ બંધ કરવામાં આવે; અને કદાચ એનો ઉપયોગ કરવો જ હોય તો એ અહિંસક જ છે એવી પૂરી ખાતરી થયા પછી જ કરવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org