________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૪
૧૧૭
માન્યતા પણ કંઈ આજકાલની નથી. પ્રાચીન ધર્મપ્રરૂપકો અને સંતપુરુષો આ સત્યનું વારંવાર ઉચ્ચારણ કરીને માનવજાતને જાગૃત કરવાનો પ્રયત્ન સમયે-સમયે, કરતા જ રહ્યા છે. એટલે જીવદયા અને અહિંસા એ બધા ધર્મોના મુખ્ય અંગરૂપ બની ગયેલ છે – અલબત્ત, એમાં ઓછા વધતાપણું તો છે જ એ સ્પષ્ટ છે. તેથી જ્યારે પણ માનવજીવનના આંતરિક (આધ્યાત્મિક) વિકાસનો વિચાર આવે છે, ત્યારે અહિંસા અને જીવદયા આપમેળે આવીને ખડી થાય છે.
માનવજીવનનો આદર્શ સંપૂર્ણ અહિંસાનો સાક્ષાત્કાર કરવાનો હોવા છતાં, એવી સર્વાંગસંપૂર્ણ અહિંસાનું પાલન જીવનનિર્વાહની દષ્ટિએ શકય નહીં હોવાથી, ઓછામાં ઓછી જીવહિંસાથી જીવનનો નિર્વાહ થાય એ રીતે પોતાનો જીવનક્રમ ગોઠવવો એટલી તો માનવીની ફરજ છે જ; આ ફરજના ભાનમાંથી જીવદયાનો પ્રારંભ થાય છે.
યુરોપ અને અમેરિકા વગેરે પશ્ચિમના દેશોને આપણે મોટે ભાગે પોતાના લાભ માટે પ્રાણીસૃષ્ટિનો ગમે તેવો ઉપયોગ કરી લેનાર તરીકે પિછાણીએ છીએ. પણ આપણી આ માન્યતામાં ફેરફાર કરવો પડે અને એ દેશોમાં પણ આપણા જેવા જ જીવદયાના હિમાયતીઓ છે એ વાતના પુરાવારૂપ પ્રવૃત્તિઓ ત્યાં હાથ ધરવામાં આવ્યાના આનંદજનક સમાચાર મળે છે.
તા. ૨૨-૧૧-૧૯૫૨ના “હરિજન' (અંગ્રેજી) સાપ્તાહિકમાં “પ્રાણીઓનું કલ્યાણ' શીર્ષકે એક નોંધ છપાઈ છે, તે ઇંગ્લેન્ડમાં આવી જ જીવદયા-પ્રચારક પ્રવૃત્તિ હાથ ધર્યાના સમાચાર પૂરા પાડે છે. એટલે જૈન સમાજની જાણ ખાતર એ નોંધનો અનુવાદ અહીં આપીએ છીએ :
પ્રાણીઓનું કલ્યાણ પ્રાણીઓના જીવન પ્રત્યે પ્રેમ ધરાવનારાઓ – અને આવો પ્રેમ કોણ નહીં ધરાવતો હોય ? – પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ માટેની નીચેની હિલચાલ જાણીને રાજી થશે. જેઓ એ હિલચાલમાં જોડાવા ચાહતા હોય, તેમને વિનંતી કરવામાં આવે છે, કે નીચે ઉતારવામાં આવેલી નોટિસમાં સૂચવ્યા મુજબ, તેઓ પોતાની સહી કરીને તે મોકલી આપે :
“અધિકારોનું કામચલાઉ હ૫ત્ર તૈયાર કરવામાં આવ્યું છે, અને તે અહીં નીચે રજૂ કરવામાં આવ્યું છે. જેઓ આ હક્કપત્રને કબૂલ રાખતાં હોય એવી વ્યક્તિઓ કે મંડળે – ભલે પછી એ ધાર્મિક હોય કે જીવદયાના હિમાયતી હોય – તેમને આના ઉપર સહી કરવાનું અને પોતાનાં અવલોકનો, સૂચનાઓ અને ટીકાઓ સાથે Mr. Ernest Swift, 12, The Down, Trow Bridge, Wiltshire, England - એ સરનામે મોકલી આપવાનું આમંત્રણ આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org