________________
લેખકનું નિવેદન
શ્રીમતી ફૉર્બસ ગુજરાતી સભા તરફથી બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલનાએ નામક પારિતોષિક નિબંધ તારીખ ૩જી માર્ચ સને ૧૯૧૩ને દિને ઉક્ત સભાના મળેલા મંડળે ચૂંટી પ્રસિદ્ધ કર્યો હતો. પારિતોષિક જોકે ૫૦૦ રૂપિયાનું છે, છતાં તે માટે જે ઉપરોક્ત વિષય નિર્ણત કર્યો છે તે એટલો બધો અગાધ, ગૂઢ અને ચિંતનશીલ છે કે તેને યોગ્ય ન્યાય આપવા માટે કોઈ સમર્થ તત્ત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાનની જ અપેક્ષા રહે છે, કારણકે વૈદિક ષડ્રદર્શનો અને તે ઉપરાંત અવૈદિક જૈન અને બૌદ્ધ દર્શનોનો અભ્યાસી તથા તેની સાથે તે સર્વનો પરસ્પર સંબંધ અને ભેદની પર્યેષણા કરનાર જે હોય તે જ આ વિષયને સવગસુંદર બનાવી શકે. આ કારણે તે વિષય લખવા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારથી મને એમ લાગ્યું હતું કે તે હસ્ત ધરવામાં હું અશક્ત છું, અને તેથી મેં તે સંબંધે કંઈપણ પ્રયાસ કર્યો નહીં.
સદ્ભાગ્યે નિબંધની અવધિ પહેલાં ચાર માસે મંત્રીમહાશય અને તદ્વારા મારા એક મિત્રે મને પ્રેરણા કરી ને નિબંધ લખવાનું સૂચવ્યું. આ સૂચના સ્વીકારી લેવા પહેલાં તેના વિષયની વ્યાપકતા, વિશાલતા અને તે સંબંધે મારું અલ્પજ્ઞાન વગેરે મારી અનેક મુશ્કેલીઓ તેમને નિવેદિત કરી, પરંતુ તેઓએ મને પ્રયાસે સિદ્ધિ થાય છે એ સૂત્ર પર ધ્યાન રાખી તે ઉત્સાહપૂર્વક ઉપાડી લેવા આગ્રહ કર્યો. આને પરિણામે મેં પહેલાં બૌદ્ધ ધર્મ કે જે મને તદ્દન અપરિચિત હતો તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા અર્થે તેને લગતા ગ્રંથો જેટલા મળી શક્યા તેટલા એકત્રિત કરી તેનું વાચન-મનન કરવાનું આવ્યું, સાથે જૈન ધર્મની સાથે પરિચય હોવાથી તદ્વિષયે આરંભિક લખવાનું હોય તે લખવા માંડ્યું, અને પછી તેના તત્ત્વજ્ઞાન અને કર્મવાદની ગૂઢતા ઉકેલવા તે સંબંધી ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. આમ કરવામાં પણ વિધવિધ પ્રત્યવાયો – કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયને લગતા આવી પડ્યા. ત્યાં તો નિબંધની અવધિ ૩૦મી જૂન ૧૯૧૪ ભણકારા કરતી આવી પહોંચી, એટલે ત્યાં સુધી જે જે લખી શકાયું હતું તે છે, અને જે કંઈ ટૂંક ‘
નોટ્સ' તથા વિષયના મુદ્દાઓનું ટિપ્પણ કર્યું હતું તે તે સર્વ મંત્રીને સમર્પિત કર્યું - એ વિજ્ઞપ્તિ સાથે કે જો વિશેષ સમયની સગવડ હવે પછી કરી આપવામાં આવશે તો તે પૂર્ણ કરી લેવામાં ધરી શકીશ.
આ વિજ્ઞપ્તિ માન્ય રાખવાની કૃપા દાખવવામાં આવી તે પરિણામે જે જે કંઈ બની શક્યું અને વિષયને અંગે જે જે મહત્ત્વનું લાગ્યું છે તે સંક્ષિપ્તમાં મૂકી આ સાથે ધર્યું છે. વિષયના અંગે ૧૫૦ પાનાં આશરે “ફુલ્લકેપ' માપનાં માંગવામાં આવ્યાં હતાં, તેને બદલે તેથી બમણાં પાનાં અત્ર મુકાય છે એ જ વિષયની અગાધતા સૂચવવા માટે બસ છે. તે વિષયના જે જે પેટાવિભાગો કર્યા છે તે પ્રત્યેક સંબંધી વિસ્તારથી – ફોડ પાડી લખવામાં આવે તો તેનું પરિણામ આખા નિબંધ જેટલું દળ પ્રત્યેકનું થાય તેમ છે, જ્યારે બીજી વસ્તુઓ મૂકવાની રહે તે તો જુદી જ.
જૈન અને બૌદ્ધ દર્શન એ બેમાં બૌદ્ધ દર્શન સંબંધે અંગ્રેજી ભાષામાં એટલા બધા ગ્રંથો – ભાષાંતર, અનુવાદ અને સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા છે કે તે સર્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org