________________
સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦ ૫૨૭ જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિ-પૂર્વક નમસ્કાર કરે છે તથા જેઓ ઇંદ્રો વડે પૂજાયેલા છે, તે શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. ૨.
જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી મહાવીરપ્રભુને (સામર્થ્ય યોગથી) કરાયેલો એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે.
જેમનાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ ઉજ્જયંત(ગિરનાર) પર્વતના શિખર પર થયાં છે, તે ધર્મચક્રવર્તી શ્રીઅરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ૪.
ચાર, આઠ, દસ અને બે, એમ વંદન કરાયેલા ચોવીસ તીર્થંકરો તથા જેમણે પરમાર્થ(મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. ૫.
(૬) સૂત્ર-પરિચય અધ્યાત્મનું અંતિમ ધ્યેય સિદ્ધાવસ્થા છે. આ અવસ્થામાં જે નિરતિશય સુખ રહેલું છે, તેની વાસ્તવિક કલ્પના કેવળ બુદ્ધિથી આવી શકે તેમ નથી. જેમ કૂવામાં રહેલો દેડકો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં મહાસાગરની વિશાળતાને કલ્પી શકતો નથી, જેમ એક અરણ્યવાસી બહુ બહુ પ્રયત્ન કરવા છતાં સંસ્કૃત-સમાજનાં સુખ-સાધનોની કલ્પના કરી શકતો નથી, અથવા તો નિત્ય કાંગ, કોદ્રવા કે કુશકાનું ભોજન કરનારો દરિદ્રપુરુષ ગમે તેટલી કલ્પનાઓ દોડાવવા છતાં ચક્રવર્તીના ભોજનનો વાસ્તવિક ખ્યાલ લાવી શકતો નથી, તેમ વિષયની આકાંક્ષાથી ઉત્પન્ન થતા સુખરૂપી ખાબોચિયામાં ડૂબેલા જીવો સિદ્ધાવસ્થાની સુખ-સંપત્તિનો ખ્યાલ કરી શકતા નથી. આ સંસારનું કોઈ પણ સુખ એ સુખની અંશમાત્ર પણ બરોબરી કરી શકે તેવું નથી. શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિર્યુક્તિમાં જણાવ્યું છે કે :
नवि अस्थि माणुसाणं, तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥९८०॥
તે સુખ મનુષ્યોને નથી, કે સર્વ દેવોને પણ નથી, કે જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધોને છે.
વળી તેમણે જણાવ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org