________________
૦૨ ભગવાન અને તીર્થંકર
માયા અને લોભને (કષાય અથવા મોહનીય કર્મને) સપૂર્ણ નાશ કરે ત્યારે તે વીતરાગ સ્થિતિ પામે છે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી બાકીના ત્રણ ઘાતી કર્મો (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અને અંતરાય કર્મ) જડમૂળથી અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) નાશ પામે છે. આ રીતે તેઓને મોહનીય કર્મનો નાશ થવાથી શુદ્ધ ચારિત્ર્ય અને અનંત સુખ, દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી કેવળદર્શન અને કેવળજ્ઞાન (પૂર્ણ સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન), અને અંતરાય કર્મનો નાશ થવાથી અનંત વીર્ય અનંત લબ્ધિ અને અનંત શક્તિ પ્રાપ્ત થાય છે. આ કેવળજ્ઞાનવાળી વ્યક્તિને બે માંથી એક કક્ષામાં મૂકી શકાય.
(૧) અરિહંત, તીર્થકર અથવા જિન (૨) સામાન્ય કેવલી તીર્થકર કે અરિહંત તીર્થકર કે અરિહંત ધર્મ તીર્થને (ચતુર્વિધ સંઘને) સ્થાપિત કરે છે અને તેથી તેઓને ભગવાન તરીકે માનવામાં આવે છે. આ અરિહંત કે તીર્થકરો સૃષ્ટિના સર્જનહાર ભગવાન નથી પણ તેઓએ વ્યક્તિગત પ્રયત્નો દ્વારા ઇચ્છા અને દુઃખમાંથી મુક્તિ પામવાનું અંતિમ લક્ષ્ય પાર પાડ્યું છે. સામાન્ય કેવલી સામાન્ય કેવલી સ્થાપિત થયેલા ધાર્મિક તીર્થમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. અને તીર્થકરે જે ધર્મ બતાવ્યો છે તેનો બોધ આપે છે. કોઈપણ એક સમયે અને એક ક્ષેત્રમાં માત્ર એક જ તીર્થંકર પ્રવર્તે છે. જ્યારે સામાન્ય કેવલી ઘણા બધા હોય છે.
આ ભરતક્ષેત્રમાં આ કાળનાં બધા તીર્થકરો ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાના સમયમાં જન્મે છે. અત્યારે આપણે પાંચમાં આરાના ઊતરતા અડધા ચક્રમાં છીએ જે દુઃખી આરો ગણાય છે. તેના કુલ ૨૧૦૦૦ વર્ષના ગાળામાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ગયા છે. આ સમયે ભરતક્ષેત્રમાં તીર્થકર ભગવાન અને કેવળજ્ઞાની વ્યકિતઓનો અભાવ છે. આગળ આવનારું કાળ ચક્ર ઊંધા એટલે કે ચડતા ક્રમે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ