________________
કેવલી જંબુસ્વામી
ખૂબ નજીક આવીને જંબુની વાતો સાંભળવા લાગ્યો. સંસારના સુખો કેવાં દુઃખ આપશે અને કેવા બંધનમાં નાંખશે એવી વાતો સાંભળીને પ્રભવને આશ્ચર્ય થયું. પણ જંબુના શબ્દો એવા અસરકારક હતા કે તે સાંભળવા ત્યાં જ ઊભો રહી ગયો.
પ્રભવને થયું કે હું સંપત્તિ ચોરવા માટે આકરી મહેનત કરું છું જ્યારે આ તો મળેલી સંપત્તિનો ત્યાગ કરવાની વાતો કરે છે. જંબુ તેની પત્નીઓને સમજાવે છે અને પ્રભવ એકચિત્તે સાંભળી રહ્યો છે. તેના સાથીદારો મહેલના અન્ય સ્થળેથી ચીજ વસ્તુઓની ચોરી કરીને પ્રભાવ પાસે આવ્યા અને જંબુના શયનકક્ષમાંથી કિંમતી દાગીના સંપત્તિ વગેરે લઈને ચોકીદાર આવે તે પહેલાં જતા રહેવા કહ્યું.
હવે પ્રભવને સંપત્તિની લાલસા રહી નહોતી. ઘરફોડ ચોરની જિંદગી છોડી દેવા તૈયાર થયો. તેણે તેના મિત્રોને પોતાનો વિચાર જણાવ્યો. તેઓને જે ગમે તે કરવાની છૂટ આપી પણ તેના મિત્રો તેને છોડીને જવા તૈયાર નથી. જો પ્રભવ આ ધંધો છોડી દેશે તો તેઓ પણ છોડી દેશે.
જ્યારે જંબુએ પોતાની પત્નીઓ સાથે ધાર્મિક ચર્ચા પૂરી કરી ત્યારે તેની પત્નીઓ પણ સંસાર છોડી સાધ્વી થવા તૈયાર થઈ ગઈ.
પોતાની પત્નીઓને ઉપદેશ આપતા જંબુકુમાર
જૈન કથા સંગ્રહ