________________
બોધ કથાઓ
૩૯. વિપુલ અને વિજન
પ્રતિષ્ઠાનપુરના જંગલમાં એક પ્રખ્યાત વનવાસી સંન્યાસી રહેતા હતા. તેઓ ભવિષ્યના બનાવો વિષે કહી શકતા હતા. ઘણી વખત ગામના લોકો તેની આજુબાજુ ભેગા થઈ જતા અને તેમના જીવનમાં હવે શું બનવાનું છે તે પૂછતા. જો કે તે સંન્યાસી હંમેશા તેમની જિજ્ઞાસાને સંતોષી શકતા નહિ. તે સંન્યાસી લોકોથી બચવા જંગલમાં ખૂબ દૂર ગયા. બે મિત્રો - વિપુલ અને વિજન - પ્રતિષ્ઠાનપુરના જંગલમાં ભૂલા પડ્યા. અંધારું થવાને લીધે તેમને મોતનો ડર લાગવા માંડ્યો. આશ્રય માટે આજુબાજુ જોવા લાગ્યા. મોડી રાતે તેમને દૂર એક ઝૂંપડી દેખાઈ અને ગભરાતા ગભરાતા ત્યાં પહોંચ્યા. તેમણે ઝૂંપડીમાં ડોકિયું કર્યું અને જોયું તો સંન્યાસી ધ્યાનમાં બેઠેલા હતા. તેમણે માન્યું કે આ એ જ સંન્યાસી લાગે છે જે તેમના ભવિષ્યકથન માટે જાણીતા છે. તેઓ તેમનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા અને પછી જંગલમાં ભૂલા પડ્યાનો આખો બનાવ કહ્યો. સંન્યાસીએ તેમની વાત સાંભળી અને તેમને ખાવા માટે ફળફળાદિ આપ્યા. દયાળુ સંન્યાસીએ તેમને આરામ કરવા કહ્યું. બીજે દિવસે સવારે તે સંન્યાસીએ તેમના એક શિષ્યને તેઓને ગામનો રસ્તો બતાવવા મોકલ્યા. વિપુલ અને વિજને જતાં જતાં બે હાથ જોડીને સંન્યાસીને પોતાનું ભવિષ્ય કથન કહેવા વિનંતી કરી. સંન્યાસીએ ખૂબ જ નમ્રતાથી જણાવ્યું કે ભવિષ્ય જાણવું એ ડહાપણભર્યું નથી. વળી કોઈવાર ભવિષ્યકથન ખોટું પણ પડે. છતાં બંને મિત્રોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે સંન્યાસીએ તેમનું ભવિષ્ય કહ્યું. તેમણે વિપુલ સામે જોયું અને કહ્યું કે એકાદ વર્ષમાં તું રાજા બનીશ. જ્યારે વિજન સામે જોઈને કહ્યું કે એ જ સમય દરમિયાન કોઈ ક્રૂર માણસના હાથે તારું મોત થશે.
ઋષિ મુનિને પોતાના ભવિષ્ય વિશે પૂછતા વિપુલ અને વિજન
156
જૈન કથા સંગ્રહ