________________
118
ભગવાન મહાવીરના સમય પછીની ક્થાઓ
એ નાના છોકરાએ પણ મુનિ ધનગિરિનો ‘ધર્મલાભ' શબ્દ સાંભળ્યો. તેણે વિચાર્યું કે પોતાની યુક્તિ માટે આ ઉત્તમ સમય છે. તેથી તેણે જોરજોરથી રડવા માંડ્યું. આ રડવાના અવાજથી તેની માતા અકળાઈ ગઈ અને સાધુને કહ્યું, “તમે તમારા આત્માના ઉદ્વાર માટે નસીબદાર છો પણ હું તમારા આ દીકરાથી કંટાળી ગઈ છું. તે રડવા સિવાય કંઈ જ કરતો નથી. તે મને આરામ પણ કરવા દેતો નથી. હું તો ખૂબ દુઃખી થઈ ગઈ છું. મહેરબાની કરીને તમે આને સ્વીકારો તો ઘરમાં શાંતિ થાય.’” બાળકે આ શબ્દો સાંભળ્યા અને મનથી ખૂબ જ પ્રસન્ન થયો. મુનિ તેની માતાની દરખાસ્ત સ્વીકારશે તેવી તેને આશા બંધાઈ. ગોચરી સમયે તેઓ જ્યારે ગુરુની આજ્ઞા લેવા ગયા હતા ત્યારના ગુરુના શબ્દો તેમને યાદ આવ્યા. હવે ગુરુનો ઇરાદો તેમને સમજાયો. તેમણે કહ્યું, “સુનંદા, તું ખરેખર આ બાળકને મને આપી દેવા માગતી હોય તો હું એનો સ્વીકાર કરીશ પણ બરાબર વિચારી લે. એકવાર મને વહોરાવી દઈશ તો તું પાછો નહિ મેળવી શકે. પછી એ બાળક પર તારો કોઈ હક્ક દાવો રહેશે નહિ.” આ સાંભળતાં વળી બાળક જોરજોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “આ એનો રડવાનો અવાજ હવે મારે સાંભળવો નથી. હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે એને હું મારી આજુબાજુ પણ ઇચ્છતી નથી. તમે ખુશીથી એને લઈ જાઓ.”
તેણે બાળકને ઉંચકીને મુનિની ઝોળીમાં નાંખી દીધું. બાળક જેવું મુનિની ઝોળીમાં પડ્યું કે તરત જ રડવાનું બંધ કરીને હસવા લાગ્યું. સુનંદાને બહુ જ નવાઈ લાગી અને તે બાળકને જોઈ જ રહી, પણ તેણે તેને આપી દેવાનું જ નક્કી કર્યું હતું. મુનિ બાળકને લઈને ઉપાશ્રય (જ્યાં સાધુ રહે તે જગ્યા પહોંચી ગયા. આચાર્ય સિંહગિરિએ જોયું કે મુનિ ધનગિરિ કંઈક વજનદાર વસ્તુ લાવ્યા હોવાને કારણે આચાર્યએ તેનું નામ ‘વજ્રકુમાર’ રાખ્યું.
આચાર્ય સિંહગિરિએ કોઈ ચુસ્ત જૈન શ્રાવકને (ગૃહસ્થને) એ જૈનધર્મના સિદ્ધાંતો બરાબર શીખવશે એવી ખાત્રી સાથે વજ્રકુમારની દેખરેખનું કામ સોંપ્યું. જેથી તેનામાં રહેલી ભાવિ આચાર્ય થવાની સુષુપ્ત શક્તિ વિકસે. શ્રાવકે વજ્રકુમારને પોતાને ઘેર લઈ જઈ પોતાની પત્નીને સોંપી આચાર્યની ઇચ્છા જણાવી. તે પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તેથી આચાર્યની આજ્ઞાને ખુશીથી સ્વીકારી. તે બાળક અને એટલો બધો વહાલો હતો કે એને એકલો ક્યાંય જવા ન દેતી. તે દરરોજ તેને ઉપાયે સાધ્વીજીને વંદન કરવા લઈ જતી. તે ખૂબ જ નાનો હોવા છતાં સાધ્વીજી જે સૂત્રો બોલતાં તે બધા તે યાદ રાખી લેતો. તે ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે અગિયાર અંગ આગમ શીખી લીધાં. તે બહુ વિવેકી અને ચબરાક હતો.
એક દિવસ સુનંદાની સખી એના ઘેર આવી અને કહ્યું, “તારો જે દીકરો આખો દિવસ રહ્યા જ કરતો હતો તે તેના દિવસનો મોટા ભાગનો સમય અમારા ઉપાશ્રયમાં પસાર કરે છે. મેં એને ક્યારેય રડતો જોયો નથી. એ બહુ વહાલો અને પ્રેમાળ છોકરો છે.” શરૂઆતમાં તો સુનંદાએ સખીની વાતને ગંભીરતાથી ન લીધી પણ અંતે તો એ વજ્રકુમારની મા હતી. તેને પણ દીકરાને ફરી જોવાની ઇચ્છા હતી. તે વિચારવા લાગી, “મેં વળી આવી ભયંકર ભૂલ કેમ કરી? મેં મારા વહાલા દીકરાને મુનિને કેમ આપી દીધો? ગમે તેમ પણ તે મારું બાળક છે. મારે તેને પાછો મેળવવો જોઈએ.”
થોડા દિવસ પછી આચાર્ય સિંહગિરિ અને ધનગિરિ ફરીથી તુંબીવન શહેરમાં આવ્યા. તે ઉપાશ્રયે ગઈ અને ધનગિરિને મળી અને કહ્યું, “મહેરબાની કરી મને મારો દીકરો પાછો આપો. હું એના વિના હવે રહી શકતી નથી.” મુનિ ધનગિરિએ કહ્યું, “મેં તમને એ જ સમયે કહ્યું હતું કે એકવાર આપ્યા પછી તમને એ પાછો નહિ મળે. યાદ કરો. તમે કહ્યું હતું કે મારે કોઈ સંજોગોમાં એ જોઈતો નથી. એકવાર અમે લીધેલું પાછું ન આપી શકીએ.”
સુનંદાએ કહ્યું, “મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું હતું? હું મારા દીકરા વિના નથી રહી શકતી તે મને પાછો મળે તેવો રસ્તો શોધો.’
આચાર્ય સિદ્ધગિરિ અને મુનિ ધનગિરિએ તેને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે તો પુત્રને પાછો મેળવવા મક્કમ હતી.
જૈન થા સંગ્રહ