Book Title: Yudhishthirnu Manomanthan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249432/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૬. યુધિષ્ઠિરનું મનોમંથન મહાભારતની ભયંકર લડાઈ પૂરી થઈ ગયા પછી રાજા યુધિષ્ઠિર અને તેમનો પરિવાર મહિના સુધી શહેર બહાર ગંગાને કાંઠે રહેલો. યુદ્ધની ક્રૂરતા, પોતાના ચિત્તની અશાંતિ અને ડહોળાઈ ગયેલી પરિસ્થિતિ ઇત્યાદિ અશાંત વાતાવરણને ખાળવા અને સ્વસ્થ ચિત્તે હવે પોતાનાં કર્તવ્ય અને અકર્તવ્યનો માર્ગ શોધવા રાજા યુધિષ્ઠિરે રહેવા માટે ગંગાનો કાંઠો પસંદ કર્યો હતો. એક વખતની વાત છે કે જ્યારે રાજા યુધિષ્ઠિર અને તેનો પરિવાર પોતાને સ્થાને બેઠેલો હતો, ત્યારે મહાત્માઓ, સિદ્ધપુરુષો, ઉત્તમોત્તમ બ્રહ્મર્ષિઓ તથા વૈપાયન, નારદ, દેવલ, કણ્વ તથા દેવસ્થાન નામના ઋષિઓ તેની પાસે આવ્યા. એ ઋષિઓના અનેક શિષ્યો અને વેદવિદ્યાના ધુરંધર વિદ્વાન એવા ઉત્તમ બ્રાહ્મણો તથા ગૃહસ્થો અને બીજા સ્નાતકો પણ તેને મળવા આવ્યા. તે આવેલા તમામનો રાજાએ યોગ્ય સત્કાર કર્યો અને તેઓ બધા પોતાને યોગ્ય આસનો ઉપર બેઠા. રાજા યુધિષ્ઠિર શોકથી ભારે વ્યગ્ર હતા. તેમને લાખો બ્રાહ્મણો આશ્વાસન આપતા હતા. એ વખતે તે સમયના પ્રાચીન નારદમુનિએ શોકથી વ્યાકુળ બનેલા રાજાને શી રીતે શાંત કરવા અને સ્વસ્થ કરવા એ વિશેની મંત્રણા કૃષ્ણદ્વૈપાયન વગેરે મુનિઓની સાથે કરી અને પછી તેમણે ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને કહ્યું : ["पुण्ये भागीरथीतीरे शोकव्याकुलचेतसम् । आश्वासयन्तो राजानं विप्राः शतसहस्त्रशः ।। नारदस्त्वब्रवीत् काले धर्मपुत्रं युधिष्ठिरम् । संभाष्य मुनिभिः सार्धं कृष्णद्वैपायनादिभिः" ॥ (મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક સાત પછી)] હે યુધિષ્ઠિર ! તમે તમારા બાહુબળથી અને માધવ એટલે શ્રીકૃષ્ણની Page #2 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન ૦૨૭૯ કૃપાથી આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે; એટલું જ નહીં, પણ તમે ધર્મની દષ્ટિએ એ જય પ્રાપ્ત કર્યો છે. હવે તમે લોકો ભયંકર એવા એ સંગ્રામથી સદ્ભાગ્યે છૂટા થયા છો. હે પાંડવ ! ક્ષત્રિયના આચારમાં પરાયણ એવા તમે હવે પ્રમોદ કરો. હે રાજા ! તમારા તમામ અમિત્રો-શત્રુઓ હવે હણાઈ ગયેલા છે. માટે તમે તમારા મિત્રોને રાજી કરો. તમે આવી અદ્ભુત લક્ષ્મી મેળવી છે, માટે હવે તમારે શોકથી ઉદાસ ન રહેવું જોઈએ. તમને શોક પીડી ન શકે.” ["भवता बाहुवीर्येण प्रसादात् माधवस्य च । जितेयमवनिः कृत्स्ना धर्मेण च युधिष्ठिर ॥ दिष्ट्या मुक्तस्तु संग्रामादस्माल्लोकभयंकरात् । क्षात्रधर्मरतेश्चापि कच्चिन्मोदसि पाण्डव ! ॥ कच्चिच्च निहतामित्रः प्रीणासि सुहदो नृप । कच्चिच्छ्यिमिमां प्राप्य न त्वां शोकः प्रबाधते ॥) (મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક દસ પછી)] નારદની વાણી સાંભળીને રાજા યુધિષ્ઠિર બોલ્યા : “શ્રીકૃષ્ણની કૃપાથી અને મારા બાહુબળથી મેં આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે એ તમારું કહેવું ખરું છે. તેમાં હું આટલું ઉમેરું છું કે બ્રાહ્મણોની કૃપાથી અને ભીમ તથા અર્જુનના બળથી એ જય મને મળ્યો છે, એ વાત ભૂલવાની નથી. પણ મને એ વાતનું મોટામાં મોટું દુઃખ છે કે મેં લોભને વશ થઈને મારા તમામ સ્વજનોનો એ યુદ્ધમાં ઘાણ કાઢી નાખ્યો, મારા પુત્રોનો ઘાત કરાવ્યો. એથી મને જે જય મળેલ છે તે જય નથી પણ એક પ્રકારે પરાજય જ છે.” ('जयोऽयमजयाकारो भगवन् प्रतिभाति मे') । આ પછી રાજા વધુ કહેતાં જણાવે છે કે “મારા સગા ભાઈ કર્ણને પણ મેં રાજયની લાલચમાં પડીને હણાવી નાખ્યો એ તો મને ઘણું જ સાલે છે. કર્ણ કુંતામાતાનો મોટો પુત્ર હતો અને અમારો ભાઈ હતો. ('स ज्येष्ठपुत्रः कुन्त्या वै भ्राताऽस्माकं च मातृजः । अजानता मया भ्रात्रा राज्यलुब्धेन घातितः ।') મહાભારત શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક ત્રેવીસ પછી) કર્ણના ઘાતની વાત તો મારા શરીરને બાળી નાખે છે.” Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ • સંગીતિ (‘તને હતિ ત્રણ તૂતમિવીનતઃ') કર્ણને સંભારી સંભારીને રાજા યુધિષ્ઠિર ભારે સંતાપ પામે છે, નિસાસા મૂકે છે અને ઘણા જ દુઃખી થાય છે. એ વખતે પોતાની પાસે બેઠેલા અર્જુનને રાજા યુધિષ્ઠિર કહે છે કે “આપણે મથુરામાં ભીખ માગીને નિભાવ કર્યો હોત, તો જે આ આપણાં જ સગાંવહાલાંનો, ભાઈભાંડુઓનો આપણે જ હાથે ઘાણ નીકળી ગયો છે, તે દિવસ જોવાનો વખત ન આવત. ક્ષત્રિયના આચારમાં ધૂળ પડો, અમારાં બળ અને પુરુષાર્થમાં ધૂળ પડો અને અમારા ક્રોધના આવેગને સો-સો ધિક્કાર હો, જેથી અમારી સગી આંખે અમારો જ નાશ જોવાના દિ' આવી પહોંચ્યા છે. “લોભને લીધે અને મોહને લીધે અમે અભિમાનમાં તણાયા, અને કપટવાળી પ્રવૃત્તિઓ આદરી, રાજયનો લાભ જાણીને અમે આવી ભારે દુઃખી દશા પામ્યા. કોઈ અમને સમગ્ર પૃથ્વી આપી દેત વા સોનાના ઢગલાની લાલચ બતાવત અથવા ગોકુળનાં ગોકુળ અને તમામ ઘોડાઓ અમને કોઈ આપવા તૈયાર થાત તો પણ અમારે એ અમારાં સ્વજનો હણવાં જોઈતાં ન હતાં.” (युधिष्ठिरस्तु धर्मात्मा शोकव्याकुलचेतनः । शुशोच दुःखसंतप्तः स्मृत्वा कर्णं महारथम् ॥ यद् भैक्ष्यमाचरिष्याम वृष्ण्यन्धकपुरे वयम् । ज्ञातीनिष्पुरुषान् कृत्वा नेमां प्राप्स्याम दुर्गतिम् ॥ धिगस्तु क्षात्रमाचारं धिगस्तु बलपौरुषम् । धिगस्त्वमर्षं येनेमामापदं गमिता वयम् ॥ वयं तु लोभाद् मोहाच्च दंम्भं मानं च संश्रिता । इमामवस्थां संप्राप्ता राज्यलाभबुभुत्सया ॥ न पृथिव्या सकलया न सुवर्णस्य राशिभिः । ન સવાશેર સર્વે તે ત્યાજ જે રૂપે હતાઃ '') (મહાભારત, શાંતિપર્વ અધ્યાય સાતમો શ્લોક ૧-૩-૫-૭-૧૧)] આ રીતે ભારે શોકથી ઉદાસ થયેલા રાજા યુધિષ્ઠિરને મહાબલ અર્જુન તેમની એ વિજયશ્રી મળ્યા પછીની ઉદાસીનતાને જોઈ ભારે મેણાં મારે છે અને કહે છે કે : “હે પ્રભુ ! આ તો ભારે દુઃખ કહેવાય, આ તો ભારે નબળાઈ ગણાય કે તમે ઘોર કર્મ કર્યા પછી મળેલી ઉત્તમ લક્ષ્મીને છોડવા બેઠા છો ! Page #4 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન ૦ ૨૮૧ “શત્રુઓને હણ્યા પછી સ્વધર્મથી પ્રાપ્ત થયેલું પૃથ્વીનું રાજ્ય મેળવીને હવે તેને શા માટે છોડી દેવું ? એ રીતે કરવાથી તો તમારી બુદ્ધિહીનતા જ જણાશે. “ખરી વાત તો એ છે, કે જે પુરુષાર્થહીન છે તેને વળી રાજ્ય કેવું ? જે દીર્ઘસૂત્રી છે—વિચારો જ કર્યા કરે છે—પુરુષાર્થમાં આળસુ છે, તેને પણ રાજ્ય શી રીતે શોભે ? “જો ભીખ માગીને જ નિભાવ કરવાનો તમારો વિચાર હતો, તો પછી ક્રોધના આવેશથી બેબાકળા થઈને તમે રણસંગ્રામમાં રાજાઓને શા માટે હણી નાંખવા તત્પર થયા ? “જે માણસ અકિંચન હોય, કલ્યાણની કાંક્ષા વગરનો હોય તે કદાચ આવા વિચારો કરે. પણ તમે તો હે પ્રભુ ! તમામ સંસારમાં વિખ્યાત છો, પુત્રવાળા, સંપત્તિવાળા અને ભારે સામર્થ્યવાળા છો; એટલે તમે જો આ રાજ્યને છોડી દઈ પામર જનની પેઠે માધુકરીથી જીવવાનું વિચારશો તો તમને લોકો શું કહેશે ?” વળી અર્જુન પોતાના મોટાભાઈને કહે છે, કે “તમે તો આ રાજકુળમાં જન્મેલા છો. સમગ્ર પૃથ્વીને જીતી લીધા પછી જો તમે ધર્મ અને અર્થને તજી દઈને મૂઢતાને લીધે વન તરફ પ્રયાણ કરવા તૈયાર થયા છો, તો પછી પ્રજાનું પાલન વગેરેના રાજધર્મો કોણ બજાવશે ?’’ [‘અહો ! દુ:સ્લમો બૂમો વૈવનવ્યમુત્તમમ્ । यत् कृत्वाऽमानुषं कर्म त्यजेथाः श्रियमुत्तमाम् ॥ शत्रून् हत्वा महीं लब्ध्वा स्वधर्मेणोपपादिताम् । एवंविधं कथं सर्वे त्यजेथा बुद्धिलाघवात् ॥ क्लीबस्य हि कुतो राज्यं दीर्घसूत्रस्य वा पुनः । किमर्थे च महीपालानवधीः क्रोधमूर्च्छितः ॥ यो ह्याजिजीविषेद् भैक्ष्यकर्मणा नव कस्यचित् । सर्वलोकेषु विख्यातो न पुत्रपशुसहितः ॥ कापाली नृप ! पापिष्ठां वृत्तिमासाद्य जीवतः । संत्यज्य राज्यं समृद्धं ते लोकोऽयं किं वदिष्यति ॥ अस्मिन् राजकुले जातो जित्वा कृत्स्नां वसुन्धराम् । धर्मार्थावखिलौ हित्वा वनं मोठ्यात् प्रतिष्ठसे ॥" (મહાભારત, શાંતિપર્વ અધ્યાય આઠમો શ્લોક ૩-૪-૫-૬-૭-૯)] Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ • સંગીતિ રાજા યુધિષ્ઠિર અર્જુનનાં ઉપર કહેલાં એવાં ભારે આકરાં નેણાં સાંભળીને પણ પોતાના ચિત્તને સ્થિર રાખી તેમને જે જવાબ આપે છે, તે વિચારવા જેવો છે. મહાભારતની લડાઈ દરમિયાન પોતાના ચિત્તના ભયાનક આવેગો જેમજેમ રાજાને સાંભરે છે, તેમતેમ તેઓ વધારે ઉદાસ બને છે. પોતાને થયેલો ક્રોધના આવેશ, મોહની પ્રબળતાનો આવેગ,પોતે કરેલું કપટ અને પોતામાં ઊભો થયેલો અહંકારનો આવેશ, આ બધાંને લીધે ગીતામાં કહ્યા પ્રમાણે થયેલો સ્મૃતિભ્રંશ એટલે પોતાની વિવેકવૃત્તિને ખોઈ બેસવું અને તેનાથી નીપજેલો ભયંકર માનવસંહાર, તેમાંય પોતાના સગાં ભાઈભાંડુઓ, વહાલાં સ્વજનો, વડીલો, ગુરુઓ વગેરેનો પોતાને હાથે યા પોતે કરાવેલો સંહાર–આ બધું સાંભરતાં રાજા યુધિષ્ઠિરને લાગે છે કે આ પ્રાપ્ત થયેલું રાજ્ય રાજય નથી પણ ભયંકર નરક છે, અને એથી તે તેને છોડવા ચાહે છે અને વનમાં રહીને સંન્યાસીની પેઠે જીવન ગાળવાનો વિચાર કરે છે. આ હકીકત તે તેના નાનાભાઈ મહાબલી અર્જુનને આ પ્રમાણે કહે છે : “ભાઈ અર્જુન ! તું તારાં કાન અને મનને અંતર્મુખ કરીને એકાગ્ર થા. મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ અને પછી જો તને એ ગમે તો એને અનુસરજે. ભયંકર સંગ્રામ કર્યા પછી મને મારા સ્વાર્થ ઉપર ભારેમાં ભારે ધિક્કાર છૂટ્યો છે; મને હવે એ સ્વાર્થ માટે લેશ પણ રસ રહ્યો નથી. માટે હવે તો હું આ ગ્રામ્ય સુખોને, એટલે કે દેહ અને ઇંદ્રિયો દ્વારા મળતાં તમામ સુખોને તજી દેવાનો છું, કઠોર તપ તપવાનો છું અને ફળમૂળ ખાઈને વનમાં મૃગો સાથે રહેવાનો છું. બન્ને સમય અગ્નિની પૂજા કરવાનો, મિતાહારી અને જટાધારી થઈ મૃગછાલ પહેરીને રહેવાનો છું, શીતળ હિમાળા જેવા વાને સહેવાનો છું, પ્રચંડ તાપને પણ ખમવાનો છું, ભૂખ, તરસ અને બીજાં જે આવી પડે તેવા તમામ દુઃખો સહન કરી શરીરને દમવાનો છું. અરણ્યમાં ફરતાં કિલ્લોલ કરતાં મૃગોના તથા પક્ષીઓના મધુર શબ્દો સાંભળવાનો છું, વનમાં ફૂલેલાં ફાલેલા વૃક્ષો, વેલડીઓ અને બીજા ભાતભાતના છોડવાઓનાં ફૂલોની સુંદર ગંધોને સુંઘવાનો છું. વનમાં વસતાં વનવાસીઓનાં તથા વાનપ્રસ્થ સંતોના રમણીય સ્થળોને જોવાનો છું. કોઈને પણ કશું ય અપ્રિય થાય એવું આચરણ કરવાનો નથી. જેવું ગમે તેવું જમી લેવાનો છું, પાકેલું મળે તો પાકેલું અને કાચું એટલે ફળો જેવું કાચું મળે તો કાચું, એ વડે મારો નિભાવ કરવાનો છું. પિતૃઓને અને દેવોને વનનાં ફળમૂળ અને પાણીથી Page #6 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન • ૨૮૩ તર્પવાનો છું. અને વાણી વડે પણ તેમની સ્તુતિ કરવાનો છું. મૃત્યુની વાટ જોતો જોતો આ મારા દેહને પૂરો કરવાનો છું. વળી વનમાં આ જે અનેક વનસ્પતિઓ છે તેમાંની એકેએક વનસ્પતિ દ્વારા એકએક દિવસ મારો નિભાવ કરવાનો છું, મુનિની જેમ મુંડ બનીને ભિક્ષા કરવાનો છું, મારે શરીરે ધૂળ ભરાઈ હોય તો તેની પણ દરકાર કરવાનો નથી. ઉજ્જડ ઘરમાં વસવાનો છું, ન શોક, ન હરખ, ન નિંદાનો ભય, તેમ ન પ્રશંસાથી ફૂલવુંએ રીતે તંદુરહિત થઈને હવે હું રહેવાનો છું. મમતા વગરનો તથા આશંસા વગરનો, પરિગ્રહ વગરનો કેવળ આત્મામાં રમણ કરનારો અને પ્રસન્નમનવાળો થઈને ફરવાનો છું. હું એવી રીતે વિહરવાનો છું કે બીજાઓ એમ જાણે કે યુધિષ્ઠિર બહેરો, અંધ, મૂંગો અને જડ જેવો બની ગયેલ છે. બીજાઓ સાથે ઘણું ઓછું બોલવું પડે એવો મારો વહેવાર રાખવાનો છું. હાલતા ચાલતા જીવોને એટલે મરુ જીવોને તથા સ્થાવર જીવોને કશી પણ આંચ ન આવે એમ વર્તવાનો છું. કોઈ ઉપર ગુસ્સો કરવો પડે વા એવો પ્રસંગ પણ આવે એમ વર્તવાનો નથી. મારી તમામ વૃત્તિઓને સંયમમાં રાખવાનો છું. મારું મુખ સદા પ્રસન્ન રહેશે. કોઈને માર્ગ પણ પૂછવાનો નથી અને એમ ને એમ ફર્યા કરવાનો છું. કોઈ ખાસ ઉદ્દેશથી હવે મારી પ્રવૃત્તિ થવાની નથી, પાછું વાળીને જોવાની મારી ટેવ હવે તજી દેવાનો છું. હવે મારી તમામ હિલચાલ પ્રારબ્ધકર્મ પ્રમાણે ચાલવાની છે; અર્થાત્ હું પોતે કર્તા બનીને કોઈ નવી હિલચાલ કરવાનો નથી. ખાવાનું થોડું મળે વા પૂરતું મળે, સ્વાદુ મળે વા એવું જ મળે, તો પણ મને તેની કશી પરવા રહેવાની નથી. જ્યારે લોકોના રસોડામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય, ખાંડવા-દળવાનું બધું બંધ પડી જાય, ચૂલામાંનાં અંગારા બધા ઓલવાઈ જાય અને લોકો ખાઈ-પી લે, ત્યાર પછી જ ભિક્ષા માટે ફરવાનો છું. તમામ ભાણાનો ખડખડાટ સંભળાતો બંધ થઈ જાય અને ભિક્ષુઓ પણ ફરતા બંધ થઈ જાય ત્યારે એક જ વખત એટલે એક ટંક માટે ભિક્ષા સારું ફરવાનો છું. તે પણ ફક્ત બે ઘરે, ત્રણ ઘરે કે પાંચ ઘરે. ત્યાં ન મળે એટલે પાછો ફરી જવાનો. સંસારનો સ્નેહપાશ હવે તજી દેવાનો છું, સમદર્શી અને ઘોર તપસ્વી થઈને વિહરવાનો છું. હવે મને નથી જીવવાની તૃષ્ણા કે નથી મરવાની તૃષ્ણા. જીવન અને મરણ એ બન્ને મારે સારુ અભિનંદનીય છે. મને કોઈ વાંસલો મારી મારી ચામડીને છોલે તથા કોઈ મારી ચામડી ઉપર ચંદનનો શીતળ સુગંધી લેપ ચોપડે તે બન્ને મારે મન એકસરખા છે. મારાં Page #7 -------------------------------------------------------------------------- ________________ 284 - સંગીતિ તમામ પાપોને હવે હું ધોઈ કાઢવાનો છું. તમામ સંગોથી રહિત થવાનો છું અને મોહનાં તમામ બંધનોને તજી દેવાનો છું. હવાની પેઠે હું તદ્દન સ્વતંત્રપણે એટલે કોઈના તાબામાં રહ્યા વિના મુક્ત રીતે ફર્યા કરવાનો છું. વીતરાગ થઈને રહેવાથી મને ખાતરી છે કે હવે હું જરૂર શાશ્વત ગતિને પામીશ. “ભાઈ અર્જુન ! હું તને શું કહું? તૃષ્ણાથી અને અજ્ઞાનને લીધે મારી મારફત ઘણાં મોટાં પાપો થઈ ગયાં છે, વા મોટા ભયાનક પાપો મેં બીજા પાસે કરાવ્યાં છે. એટલે મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આ અપાર અને અસ્વસ્થ સંસારને છોડ્યા વિના હવે મારો છૂટકો જ નથી. હવે મને છેલ્લે છેલ્લે પણ આ સબુદ્ધિ સૂઝી છે તો એને અનુસરીને હવે હું અવ્યય અને શાશ્વત સુખને જરૂર મેળવીશ. જન્મ, જરા, મરણ અને વિવિધ વ્યાધિઓથી ઘેરાયેલા આ દેહને હવે હું તદ્દન નિર્ભય બનાવી દઈશ અને આગળ જણાવેલા માર્ગે ચાલીને હું મારું કલ્યાણ કરીશ. (આ બધું યુધિષ્ઠિરનું કથન મહાભારત શાંતિપર્વ અધ્યાય નવમામાં વર્ણવેલું છે.) યુધિષ્ઠિરનું આ કથન અર્જુન, ભીમ, દ્રૌપદી વગેરે કોઈને જરાય ગમતું નથી,પણ મહાભારતકારે મહાભારતના સંગ્રામ પછી રાજા યુધિષ્ઠિરને જે મનોમંથન થયેલ છે તે સરસ રીતે મહાભારતમાં વર્ણવેલું છે. - અખંડ આનંદ, ઑગસ્ટ - 1951