Page #1
--------------------------------------------------------------------------
________________ 753 2ષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે વિવાણિયા, 1953 ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.' ઋષભ૦ 1 નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. 1 વિશેષાર્થ:- જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે : 'जे जाणई अरिहंते, दव्व ग्ण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.' જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું.
Page #2
--------------------------------------------------------------------------
________________ ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અહંતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. તે અહંત ભગવાનમાં જેઓએ ‘તીર્થકરનામકર્મ'નો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે ‘તીર્થકર ભગવાન' કહેવાય છે, જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પષ્યયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થકર થયા; શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ‘ભૂતપ્રજ્ઞાપનીયનય’થી તેમને વિષે ‘તીર્થંકરપદ'નો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદ્રષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદ્રષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૃત'માં કહ્યું છે કે : 'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं; तहमा सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं.' જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે “જિનપૂજા રે તે નિજપૂજના’. જો યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જામ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના
Page #3
--------------------------------------------------------------------------
________________ ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દ્રષ્ટિ થાય છે, અને અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં1 - [અપૂર્ણ (2) વીતરાગ સ્તવના વીતરાગોને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીઝયા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે, પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. 1 આનંદઘન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે. - સંશોધક 2 શ્રી ઋષભજિનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ 1 પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન હોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ. 2 કોઈ કંત કારણ કાષ્ટભક્ષણ કરે રે, મિલશું કેતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન થાય. ઋષભ૦ 3 કોઈ પતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ. ઋષભ૦ 4 કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૦ 5 ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદરેહ. ઋષભ૦ 6
Page #4
--------------------------------------------------------------------------
________________ પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કેઃ હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી, તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય ? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હે સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં ‘સાદિ અનંત’ એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે, એમ કહ્યો છે, તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. 1 હે સખી! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું - કોઈ એક તો પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તોપણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે; બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે; તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામઠેકાણું નથી. 3 હે સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી, પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેલાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તોપણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય; તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તોપણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે. અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. 4 હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે, અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઇચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઇચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તો જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બન્ને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે, સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સદ્વેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લોભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તો લીલા દોષનો જ વિલાસ છે; અને એવો દોષવિલાસ તો અજ્ઞાની જ ઇચ્છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષવિલાસ ઇચ્છતા નથી, તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઇચ્છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તુત્વપણાથી ભાવે જે સમજે છે તે ભાંતિ છે, અને તે ભાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. 5 હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે, તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી
Page #6
--------------------------------------------------------------------------
________________ ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ધનધન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. 6 ઋષભજિનસ્તવના સંપૂર્ણ. (3) પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિપ્ન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે, અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. 3 બીજું શ્રી અજિતજિન સ્તવનઃ પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ? પંથડો. 1 ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોવિયે રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ 2
Page #7
--------------------------------------------------------------------------
________________ હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તદરૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તરૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન ! તમારું નામ અજિત તે તો સાચું છે, પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય ? 1 હે સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઈ પડ્યો છે. હે સખી ! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષએ જોતાં તે જણાય એવો નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. 2 [અપૂર્ણ.