Page #1
--------------------------------------------------------------------------
________________ 629 અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા વવાણિયા, શ્રાવણ વદ 11, શુક્ર, 1951 આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે: “ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય ? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે?’ તેના ઉત્તરમાં એમ લખ્યું કે : “આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું ?' તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. ચોથો પ્રશ્ન ‘કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ ?' તેનો ઉત્તર એમ લખ્યો કે : ‘પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે.” એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે “જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે?’ આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંનાં ત્રણ પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લખ્યાં છે. પ્રથમ પ્રશ્ન :- “જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો : નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે, કે, “પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ?' તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે :- અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો
Page #2
--------------------------------------------------------------------------
________________ નિયમિતપણું નથી. ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે. અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને ‘જાતિસ્મતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા ‘જાતિસ્મૃતિ’ હોવી સંભવે છે, અથવા જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. બીજો પ્રશ્નઃ- “જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?’ તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિપરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નયથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. ત્રીજો પ્રશ્ન- ‘કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો : વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે, અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે.