Book Title: Vachanamrut 0609 PSY
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330730/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 609 સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી મુંબઈ, જેઠ, 1951 1. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. 3. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે 4. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. 6. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. 7. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. 8. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. 9. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો ! 10. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી Page #2 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. 11. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. 12. સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. 13. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે, જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.