Book Title: Vachanamrut 0586
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330707/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 586 વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, 1951 વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવષવો જોઈશે, અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી, અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી, કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગવત હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે Page #2 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવતુ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય. જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શો છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગવત રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે, અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.