Book Title: Vachanamrut 0540 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330661/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 540 બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા મુંબઈ, કારતક સુદ 14, સોમ, 1951 વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. આજે આપનું પત્ર 1 પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે, એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી - અને તેમ તેવાં કાર્યનું માહામ્ય કંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. રૂના વેપાર વિષે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો. તે વિષેમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી; તેથી આજે એકઠો લખ્યો છે - આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઇચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. અને વ્યવસાયની ઇચ્છા થવી તે તો અસંભવ જેવી છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણિ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો, જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિષે શો અભિપ્રાય આપ્યો ? તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કહી હશે, એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે. અને અનુક્રમે વ્યાવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, તે પણ યથાર્થ નહીં. જીજીબાનાં લગ્ન મહા મહિનામાં થશે કે કેમ ? તે સંબંધમાં વવાણિયેથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયેથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેઓ વવાણિયે લખશે, અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં કેમકે તેને ઘણો વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તો વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તો Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાઈબહેનોને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલો લક્ષ રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઇચ્છો છો. અને વળી તેથી નિવૃત્તિ ઇચ્છો છો. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી ક્રૂરતું હશે તોપણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં-વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાર્તા આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમકે તે અમને મોઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. પ્રણામ.