Page #1
--------------------------------------------------------------------------
________________ 537 કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને મુંબઈ, કારતક સુદ 7, શનિ, 1951 શ્રી સત્પરુષોને નમસ્કાર શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી . . . . . ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર 1 આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારાં સૌનાં મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જો બને તો ‘યોગવાસિષ્ઠ' ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો, અથવા શ્રવણ કરાવશો; અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. દિવસના ભાગમાં તેવો વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. સમાગમની ઇચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવે છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થકરે નિર્ગથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; સત્સંગ, સપુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સપુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય
Page #2
--------------------------------------------------------------------------
________________ પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સપુરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. શ્રી તીર્થકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જ૫, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.