Book Title: Vachanamrut 0453
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330574/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 453 અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી મુંબઈ, પ્રથમ અસાડ વદ 3, રવિ, 1949 મુમુક્ષુજનના પરમબંધવ, પરમસ્નેહી શ્રી સોભાગ્ય, મોરબી. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે. ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિજોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણાયોગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મપ્રત્યયયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુષમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુ:ખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આવો વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી; એવો જે સર્વ જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય છે, તે વ્યવહાર પ્રાયે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી, એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાભ્યતર નિર્ગથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પ કાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્તિ થાય એવા છે, અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે, અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. Page #2 -------------------------------------------------------------------------- ________________ કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી પ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. શું લખીએ ? અને શું કહીએ ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.