Book Title: Vachanamrut 0430
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330550/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 430 કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે મુંબઈ, માહ વદ 0)), ગુરૂ, 1949 અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો; આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હોએવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષોનો છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમકાળમાં તીર્થકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એનો જે માર્ગ છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે. જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે, તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે. તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે, કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે Page #2 -------------------------------------------------------------------------- ________________ આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છો તે વિષે સહજ, કોઈ જાતના માનની ઇચ્છા વગર, સ્વાર્થની ઇચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઇચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે, તે જણાવું છું. કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ, માનાર્થે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જો તમે કંઈ ઇચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં, શિષ્યાદિ કરવા, સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે, તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે. તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂઝે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે. લિ0 રાયચંદના પ્રણામ.