Page #1
--------------------------------------------------------------------------
________________ 416 જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું મુંબઈ, આસો, 1948 જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. 1. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. 2. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષને વિષે સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. 3. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. તેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણાં ચક્ષને વિષે અને સૂર્યને વામ ચક્ષને વિષે સ્થાપન કરવા. 5. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાનદર્શન સમજવું. 6. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૂકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. 7. પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું. ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. 9, તે ભાવનાથી દર્શન સુદ્રઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. 10. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત સૂલટું ચિંતવવું. 11. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. 12. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. 13. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્યસ્વરૂપે ચિંતવવી. 14. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. 15. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું.
Page #2
--------------------------------------------------------------------------
________________ 16. તેમનાં મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે ૐકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. 17. તે ભાવનાઓ દ્રઢ થયે તે ૐકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું. 18. જે પ્રકારના સમ્યકુમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિંતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું ? એમ ભાવવું. 19. તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં | ચિંતવવો, સર્વાગ ચિંતવવો. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો ‘હું જાણું છું’, ‘હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક ‘સ્વચ્છેદ' નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે; ‘હું જાણું છું,’ ‘હું સમજું છું', એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઇચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.