Book Title: Vachanamrut 0247
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330367/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 247 હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશે ત્યારે સમજાવશું (!) મુંબઈ, વૈશાખ વદિ 8, રવિ, 1947 હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (1) ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરો છો, તે જણાવશો, અને શું ઇચ્છા રહે છે, તે પણ જણાવશો. વ્યવહારનાં કાર્ય વિષે શું પ્રવૃત્તિ છે, અને તે વિષે શું ઇચ્છા રહે છે, તે પણ જણાવશો. એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ ? તે જણાવશો. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહુર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તોપણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઇચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ છે; અત્યારે તો બધુંય ગમે છે, અને બંધુય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ...........આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ. જેથી સમાગમને ઇચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છા હજુ તેમ કરવામાં અસમત લાગે છે, જેથી વિયોગે જ વર્તીએ છીએ. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે ? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષતા કોઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે ? ક્વચિત તીવ્ર મુમુક્ષતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ Page #2 -------------------------------------------------------------------------- ________________ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો ? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો. અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખબર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે, માટે તે રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હરિની માયા અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપાવી દે તો નિરુપાયતા છે, અને એટલો પણ શોક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.