Book Title: Vachanamrut 0217
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330337/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 217 પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. મુંબઈ, માહ સુદ, 1947 પરમ પૂજ્ય, આપને સહજ વાંચનના ઉપયોગાથે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે બીડું છું. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભકિતની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’ ‘વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભતિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણે પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી; રહ્યું જતું નથી; અને આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદયકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. ‘સ-સત’ એનું રટણ છે. અને સતનું સાધન ‘તમે' તે ત્યાં છો. અધિક શું કહીએ ? ઈશ્વરની ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયુષ અને પ્રેમભક્તિમય જ રહીએ ! પણ પ્રારબ્ધકર્મ બળવત્તર છે ! Page #2 -------------------------------------------------------------------------- ________________ આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં, તથાપિ આપને, અંતર્ગત સમજાયું છે, તે જણાવું છું, કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ આપ જણાવો છો તેમ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું, તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં, કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભકિત પામ્યાનું ફળ છે; તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિષે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું. ‘જોઈ લઈશું' એનો અર્થ બહુ ગંભીર છે. સર્વાત્મા હરિ સમર્થ છે. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિયોગ વિષે જોકે લક્ષ રહ્યા કરે છે; પણ જે કંઈ સત્તા છે તે તે સર્વાત્માને હાથ છે. અને તે સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઇચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે, ઇત્યાદિક વાત ઘણી છે. શબ્દ લખી શકતો નથી, અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી, જેથી જ્યારે ઈશ્વરેચ્છા હશે ત્યારે એ વાત કરશું. ઉપર જે ઉપાધિમાંથી અહંપણું મૂકવાનાં વચનો લખ્યાં છે, તે આપ થોડો વખત વિચાર કરશો, ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે; અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઇચ્છા હોવાથી મેં આપને લખી છે. માટે જેમ બને તેમ એને અવધારજો. કરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિષે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો. કેમ થશે ? એ વિચાર મૂકી દેવો. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી; અને તેનું કારણ મારી તેવી આધીન ભકિત નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કંઈ બીજું લખવા યોગ્ય નથી. આ વિષય વિષે સમાગમે આપણે વાતચીત કરીશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સમ્મતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઊગી તેમ આપેલી સમ્મતિ છે. વધારે લખી શકાતું નથી, પણ આપે આકુળ રહેવું ન જોઈએ; એ વિનંતી ફરી ફરી માનજો. બાકી અમે તો નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ; પણ ઉપર લખી છે જે સમ્મતિ તે સબળ છે, જેવી તેવી નથી, પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. આપ જ્ઞાનકથા લખશો. ‘પ્રબોધશતક' ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિષે લખીશ; અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ. Page #3 -------------------------------------------------------------------------- ________________ આપનાં બધાં પ્રશ્નોનો મારી ઇચ્છા પૂર્ણ ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિયોગને લીધે; પણ આપ મારા અંતરને સમજી લેશો, એમ મને નિઃશંકતા છે. લિ. આજ્ઞાંકિત રાયચંદ.