Book Title: Vachanamrut 0201 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330321/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 201 નિર્વિકાર પરબ્રહ્મ પરાભક્તિને વશ - નિરંજનદેવની અનુગ્રહતા - ભાગવતની કથા : હાંરે કોઈ માધવ લ્યો - ભાગવતમાં અદ્ભુત ભક્તિ - ભક્તિ સર્વોપરી માર્ગ મુંબઈ, માહ વદ 3, ગુરૂ, 1947 કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશયું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ; અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે. આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ(કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરીને વ્યાસજીએ અદભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ સત્સંગની અત્ર ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યા ફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પતૃ મળ્યું. મણિને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશયો છે. જો મણિ? એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણિ વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે. આપને જે પૂર્ણપદોપદેશક કક્કો કે પદ મોકલવા ઇચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી, પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદ્રષ્ટિ એ જ. વિ. આજ્ઞાંકિતના દંડવત 1 જુઓ આંક 200. 2 મણિલાલ-તે શ્રી સૌભાગ્યભાઇના પુત્ર.