Book Title: Vachanamrut 0176
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 176 સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ - દીનબંધુની દ્રષ્ટિ - અલખ લે’ - અબધુ થયા - અબધુ કરવા દ્રષ્ટિ - મુંબઈ, કાર્તિક વદ 9, શુક્ર, 1947 જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ, મોરબી. મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણો છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો ઉપદેશ કરવો, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો, તો લાગી શકશે. પોતે શંકામાં ગળકાં ખાતો હોય, એવો જીવ નિઃશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તોપણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાદ્ર ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દ્રઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ ‘લે'માં સમાઈ જવું એમ રહે છે. અલખ ‘’માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. Page #2 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે. વિ. આજ્ઞાંકિત રાયચંદના દંડવત.