Page #1
--------------------------------------------------------------------------
________________ 139 આઠ રુચકપ્રદેશ નિબંધન- શાસ્ત્રકારની શૈલી, વિચિત્ર વાતનું મહત્ત્વઅંતર્મુહૂર્ત- સમુદ્યાત વર્ણનનો હેતુ- “ચૌદપૂર્વધારી નિગોદમાં, અને જઘન્યજ્ઞાની મોક્ષે એનું સમાધાન- લવણસમુદ્ર અને મીઠા પાણીની વીરડી- કેવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ?- આ દેહધારીની પૂર્ણ કસોટી કરજો- પૂર્વાપર નિઃશંક શ્રદ્ધામાં પણ કલ્યાણ મોરબી, બી. ભા. વદ 7, રવિ, 1946 મુમુક્ષુ ભાઈઓ, ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતિ લખું આઠ રુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો, અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. અંતર્મુહર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે, તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચકપ્રદેશ મૂકી સમુદઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત સમાગમે ચર્ચો તો ઠીક પડશે.
Page #2
--------------------------------------------------------------------------
________________ બીજું પ્રશ્ન ‘ચૌદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણાં એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?' એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જાન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને ‘એક દેશે ઊણું’ એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં ‘દેશે ઊણું’ ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. ‘દેશે ઊણું' કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવા અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદ્રષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે; તોપણ બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવો શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ. ટૂંકામાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. તોપણ આશા છે કે આથી સમાધાન થશે અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે, એમ માન્યતા છે. અહો અનંત ભવના પર્યટનમાં કોઈ સપુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે ! નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારુ ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે ? એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવ્યું અનર્થકારક તો નહીં લાગે ? અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે, તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી
Page #3
--------------------------------------------------------------------------
________________ લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ તમારા સમાગમનો ઇચ્છક રાયચંદ(અનામ)ના પ્રણામ.