Book Title: Vachanamrut 0126 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330246/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 129 ખરેખરો કળિકાળ- વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ કેવી દશા આ દેહે આવવી જોઈએ? કઈ વાટે? -શિશુવયથી જ ઉપશમવૃત્તિ- સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય આત્માનું આનંદાવરણ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ 3, સોમ, 1946 આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત થયો. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈનો એક વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપે એક આપનો સમાગમ, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું ? જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ : 1. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. 2. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. 3. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). 4. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનનો નાશ. અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યાં છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી. શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપોહાભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક Page #2 -------------------------------------------------------------------------- ________________ હું પોતાની અપેક્ષાએ કહું છું). અને વિકલ્પાદિક ક્લેશનો તો નાશ જ કરવો ઇચ્છયો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે.