Book Title: Vachanamrut 0048
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330168/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 48 વ્યવહારશુદ્ધિ, તેના નિયમો - પરિણામે આર્તધ્યાન કરતા રળવું સારું વવાણિયા, માહ, 1945 જિજ્ઞાસુ, આપના પ્રશ્નનો ઉત્તર, મારી યોગ્યતા પ્રમાણે, આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્નઃ- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે ? ઉત્તરઃ- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે. 1. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. 2. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.) 3. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. 4. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. 5. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. 6. ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએઃ 1 કોઈથી મહા વિશ્વાસઘાત 2 મિત્રથી વિશ્વાસઘાત Page #2 -------------------------------------------------------------------------- ________________ 3 કોઈની થાપણ ઓળવવી 4 વ્યસનનું સેવવું 5 મિથ્યા આળનું મૂકવું 6 ખોટા લેખ કરવા 7 હિસાબમાં ચૂકવવું 8 જુલમી ભાવ કહેવો 9 નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો 10 જૂનાધિક તોળી આપવું 11 એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું 12 કર્માદાની ધંધો 13 લાંચ કે અદત્તાદાન - એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. [ અપૂર્ણ ]