Book Title: Vachanamrut 0017 018 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330046/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 18. ચાર ગતિ 1‘શાતાવેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.’ એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. નરકગતિ - મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિલવિલાટ સહન કરવો પડે છે, જે દુ:ખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો !! તે દુ:ખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. તિર્યંચગતિ - છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુ:ખને સહન કરે છે. મનુષ્યગતિ - ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. દેવગતિ - પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુધા ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે, એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયો છે. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્વાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્યદ્રષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં 1 દ્વિ. આ. પાઠા. - 1. ‘સંસારવનમાં જીવ શાતા વેદનીય વેદતો શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' Page #2 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે, સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ દ્વિવે આ૦ પાઠા૦-૧. “સંસારવનમાં જીવ શાતા વેદનીય અશાતા વેદનીય વેદતો શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' લથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તો જીવનપર્યત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે ? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુ:ખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે.