Book Title: Vachanamrut 0016 01 Anitya Bhavana
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ચિત્ર-અનિત્યભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! વિશેષાર્થ:લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે, ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું ? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! ભિખારીનો ખેદ દ્રષ્ટાંતઃ- એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાÁ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યાં છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા ! ખમા !" પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ Page #2 -------------------------------------------------------------------------- ________________ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. પ્રમાણશિક્ષાસ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના' એ વિષય પર સદ્રષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું.