Page #1
--------------------------------------------------------------------------
________________ ઉપોદઘાત - ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે; તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે. એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીના સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. જેથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે, પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તુહરિ ઉપદેશ છે કે - भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रुपे तरुण्याभयं, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताभयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. ભાવાર્થ: ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!! મહાયોગી ભર્તુહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી
Page #2
--------------------------------------------------------------------------
________________ સંસારશોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોતમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું, મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યોઃ સંસારચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે; રૂપ-કાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે, કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. યોગીંદ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઊપજવું થયું નથી. એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, તંજલિ, કપિલ અને યુવરાજ શદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશયું છે. તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. “અહો લોકો ! સંસારરૂપ સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો ! ઉપયોગ કરો !" એમ ઉપદેશવામાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમ જ દુઃખપ્રદ છે. અહો ! ભવ્ય લોકો ! એમાં મધુરી મોહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ !! મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણી કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની મોહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શનયોગપરાયણ થઈ એણે જે અદભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં આઠમાં અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે :
Page #3
--------------------------------------------------------------------------
________________ अधुवे असासयंमि संसारंभि दुख्खपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा. ‘અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છેઃ અધુવે અસાસયંમિ'-આ મહદુ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે, એ તત્ત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્કૂરણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કંઈ તત્વજ્ઞાનચંદ્રની સોળે કળાઓથી પૂર્ણ હોતા નથી, આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિનૈષિણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગરૂજનનો વિનય, વિવેક, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યકત્વ અને જ્ઞાન એનું સેવન કરવું, ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. “પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર: ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદેશે તો સમતુલ્ય દ્રય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયો પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વીશે મંગળમયરૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે ! એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. ‘સૂત્રકૃતાંગ’ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે : નિવ્વાસે નહ સવ્વધર્મો.' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે.. પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુઃખનો ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી, પણ જળથી તેનો અભાવ છે; તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી, એ જ માટે વૈરાગ્યજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હે માનવી! આત્માને ઉજ્જવળ કર.