________________ अधुवे असासयंमि संसारंभि दुख्खपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा. ‘અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છેઃ અધુવે અસાસયંમિ'-આ મહદુ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે, એ તત્ત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્કૂરણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કંઈ તત્વજ્ઞાનચંદ્રની સોળે કળાઓથી પૂર્ણ હોતા નથી, આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિનૈષિણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગરૂજનનો વિનય, વિવેક, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યકત્વ અને જ્ઞાન એનું સેવન કરવું, ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. “પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર: ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદેશે તો સમતુલ્ય દ્રય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયો પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વીશે મંગળમયરૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે ! એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. ‘સૂત્રકૃતાંગ’ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે : નિવ્વાસે નહ સવ્વધર્મો.' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.