Book Title: Upasana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249420/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉપાસના આપણા દેશમાં “ઉપાસના' શબ્દ ઘણો પ્રચલિત છે. “ઉપ+આસના એ રીતે બે શબ્દો ભેગા થવાથી આ શબ્દ બનેલ છે. “ઉપ' એટલે પાસે અને આસના' એટલે બેસવું. જે પ્રવૃત્તિમાં ઘણા વખત સુધી પાસે બેસી રહેવાની ક્રિયા ચાલતી હોય તે પ્રવૃત્તિનું નામ “ઉપાસના' છે. વિદ્યોપાસના, ધનોપાસના, ધર્મોપાસના અને સ્વામી-ઉપાસના તથા ઈશ્વરોપાસના–આમ વિવિધ પ્રકારની ઉપાસનાઓ વર્તમાનમાં પ્રચલિત છે. ઉપાસના કરનારો કોઈ પણ મનુષ્ય ઉપાસનાના પરિણામને પામવાનો પ્રયત્ન કરતો હોય છે. ઉપાસના બરાબર પ્રામાણિકપણે શરીરને ચિત્તને સ્પર્શે એ રીતે કરવામાં આવે તો તેનું પરિણામ આવ્યા સિવાય રહેતું નથી. ઉપાસના શરીરને સ્પર્શ એટલે શરીર દ્વારા તેનું બરાબર આચરણ થાય અને ચિત્તને સ્પર્શે એટલે ચિત્તમાં તે બરાબર ઠસેલી હોય, સમજાયેલી હોય. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી હોય તે ક્રિયા શરીરને જરૂર સ્પર્શવાની જ. એટલે શરીર દ્વારા આચરવાની. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી ન હોય તે ક્રિયા કદાચ બાહ્ય રીતે શરીર દ્વારા દેખાવની દષ્ટિએ કરવામાં આવે તો પણ તેનું પરિણામ જેવું અને જેટલું જોઈએ તેટલું અને તેવું આવતું નથી; જેમ કે કોઈ નોકર પૈસા મેળવવાની દૃષ્ટિએ કોઈ શેઠની ઉપાસના કરતો હોય. અહીં ઉપાસના એટલે શેઠની આજ્ઞા પ્રમાણે વર્તવાનું; શેઠની નજરમાં રહીને કામ કરવાનું અથવા શેઠની ઇચ્છા પ્રમાણે વર્તવાનું સમજવું. હવે જો આ નોકર શેઠ તરફ અણગમો રાખે, દ્રોહી જેવું વર્તન કરે, આજ્ઞા વા ઇચ્છા પ્રમાણે ન વર્તે તો તે કદી પણ પોતે ધાર્યા પ્રમાણેનો લાભ મેળવી શકવાનો નથી; ત્યારે જે નોકર પોતાના શેઠ તરફ ખરેખર સદૂભાવ રાખે છે, તેને લાભ થાય તેમ વર્તે છે, ભલે પોતાને સહન કરવું પડે પણ શેઠને હાનિ ન થવી જોઈએ એવી કર્તવ્યનિષ્ઠાની વર્તે છે, સમયનો બગાડ કરતો નથી, તેમ દિલ કે શરીરની Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના ૦ ૧૯૯ ચોરી કરતો નથી અને બરાબર તનમન દઈને કામ કરે છે તે અલ્પકાળમાં જ ધાર્યા કરતાં સારો લાભ મેળવે છે, એ આજે પણ અનુભવસિદ્ધ હકીકત છે. આ રીતે વર્તનાર નોકરની બુદ્ધિ પણ વિકસિત થાય છે અને તે જોખમી કામને પણ બરાબર પહોંચી વળે છે. પરિણામે તે વખત જતાં નોકર મટીને શેઠની પદવીએ પહોંચે છે. જે વિદ્યાર્થી વિદ્યાની ઉપાસના કરવા પ્રવૃત્તિ કરે છે તે નિશાળે કે કૉલેજમાં જાય તેટલું બસ નથી, તેની પાસે સારાં ઘણાં પાઠ્યપુસ્તકો હોય તે પણ પૂરતું નથી, તેની પાસે ઇંડીપેન વગેરે પણ સાધનો પ્રમાણમાં વધારે હોય તે પણ પર્યાપ્ત નથી. જો તેનું મન વિઘા તરફ અભિરુચિવાળું ન હોય, અધ્યાપક તરફ વિનયયુક્ત વર્તનવાળું ન હોય અને શીખવાના વિષયને બરાબર સમજવાની તૈયારીવાળું તેનું મન એકાગ્ર ન જ થાય. જ્યારે જે વિદ્યાર્થીનું મન વિદ્યાથી થતા લાભને બરાબર સમજતું હોય, વિનયવૃત્તિ તેનામાં હોય અને શીખવાના વિષયને સ્થિર ચિત્તે સમજી તે અંગે મનનચિંતન કરવાની તેની માનસિક તૈયારી હોય તો કોઈ પણ વિષયનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી તે વિષયનો ઉત્તમ નિષ્ણાત થઈ શકે છે. તે વિષય અંગે વિવેચન કરવાની, પ્રબંધો લખવાની તથા બીજાને પ્રયોગો કરીને સમજ આપવાની શક્તિ તેનામાં સચોટ આવી જાય છે. અને આવો વિદ્યાર્થી ઉત્તમ રીતે વિદ્યાના લાભ ઉપરાંત સંસ્કારિતાને પણ પામે છે, કેળવાયેલ બને છે. એટલે વિદ્યાની ઉપાસના કરવા ગયા પહેલાં તેની જે ચિત્તની વા શરીરની વા સામર્થ્યની અવસ્થા હતી, તે વિદ્યા મેળવ્યા પછી અર્થાત્ ઉક્ત રીતે વિદ્યાની ઉપાસના કર્યા પછી ઘણી જ તેજસ્વી, ઓજસ્વી અને પ્રતાપશાળી બની જાય છે અને આ જાતના વિદ્યાર્થીને વ્યક્તિત્વ ઉપરાંત પ્રતિષ્ઠાનો લાભ થાય છે અને આનુષંગિક રીતે ધનનો લાભ પણ તેને મળે છે. ધન માટે તેને ફાંફાં મારવાં પડતાં નથી, પણ લક્ષ્મી તેને શોધતી આવે છે. હવે આપણે ધનોપાસના, ધર્મોપાસના અથવા ઈશ્વરોપાસના વિશે વિચારીએ. એવાં સેંકડો ઉદાહરણો મળી શકે એમ છે કે જેઓ કેવળ દોરીલોટો લઈને બીજે સ્થળે ધનોપાસના માટે ગયેલા, તેઓ ખરેખર સમૃદ્ધ બનેલા છે. એમાં અપ્રમાણિકપણે વર્તનારા પણ હશે; પરંતુ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા પ્રમાણે વર્તનારા પણ સમૃદ્ધ બનેલા છે એની કોઈ ના નહીં કહી શકે. એવા માણસને મેં નજરે જોયેલ છે કે જે એક સમય મિલમાં પટાવાળાનું Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૦ સંગીતિ કે ઝાડુ દેનારનું કામ કરતો હતો તે વખત જતાં અંગ્રેજી ઘણું ઓછું જાણતો હોવા છતાં તે જ મિલમાં મૅનેજર થયેલ હતો. જે લોકો ધનોપાસના માટે બીજા શહેરમાં કે બીજા પ્રાંતમાં વા દેશમાં જાય છે તેઓના મનમાં ધનોપાસનાના બાહ્ય અને આંતરિક ઉપાયો બરાબર ઠસેલા હોય છે, અને કેટલાક ઉપાયો તો તેમને નવા નવા સૂઝતા પણ જાય છે. સાદાઈ, નમ્રતા, મિલનસારપણું, વાણીનું માધુર્ય, સહકારની ભાવના, પરગજુપણું—આ બધા ગુણો ધનોપાસનામાં મુખ્ય છે. આ ઉપરાંત ખડતલપણું, પરિશ્રમ-પરાયણતા, સાહસ, નિરાશ ન થવાની વૃત્તિ અને જાગ્રત વિચારશક્તિ તથા એકબીજા ધંધાઓનું પરસ્પર તુલનાત્મક નિરીક્ષણ કરવાની સાવધાનતા—આ બધું પણ ગુણની દૃષ્ટિએ જરૂરી છે. કારખાનાની કે દુકાનની યોજના, પોતાના ધંધાને ફેલાવવાનાં સાધનોની પૂરી માહિતી અને પ્રધાનશક્તિ ઉત્સાહ. મન ધનોપાસનાની યોજનાઓ જ બરાબર વિચારીને ઘડતું હોય અને એથી વિપરીત દશામાં એટલે વિલાસ, મોજશોખ કે નિરાશા તરફ જરા પણ ન જતું હોય એ રીતે મનોવ્યાપારનું નિયંત્રણ કરે, અને શરીર પણ એ નિયંત્રણને અનુસરતું હોય તો પછી દોરીલોટો લઈને બહાર ગયેલા લોકો કરોડપતિ શા માટે ન થાય ? જાગ્રત ધનોપાસક કદી કોઈનું આંધળું અનુકરણ નહીં કરે, તેમ ગજા ઉપરાંત પ્રવૃત્તિ પણ નહીં કરે તથા વાહવાહમાં પડી આંધળી રીતે ગજા ઉપરાંત કૃત્રિમપણે પરદુઃખભંજન પણ નહીં થાય; ભલે એ પરદુઃખભંજન થવાને વિશેષ ઇષ્ટ સમજતો હોય, છતાં પોતાની મર્યાદાને કદી ન વટાવે. ઉપર કહી તેવી ત્રણે ઉપાસનાઓમાં મન અને શરીરની એકતા હોય તો જ સફળતા મળે છે તેમ આપણે જોયું. મનની એકાગ્રતા અને તદનુસાર શરીર દ્વારા આચરણ ન હોય તો સ્વામીની ઉપાસના, વિદ્યાની ઉપાસના અને ધનની ઉપાસના લગભગ નિષ્ફળ જાય છે એ સિદ્ધ વાત છે. એ જ રીતે ધર્મની ઉપાસના અથવા ઈશ્વરની ઉપાસના પણ મનની એકાગ્રતા અને શરીર દ્વારા આચરણ વિના થતી હોય તો તે ફળ શી રીતે આપે ? આપણે ત્યાં અનેક ધર્મો છે અને દેવો પણ અનેક છે. કોઈ હનુમાનની, કોઈ ભદ્રકાળીની, કોઈ મહાદેવની (મહાદેવો વિવિધ નામે હોય છે), કોઈ રામની, કોઈ કૃષ્ણની, કોઈ અંબાજીની, કોઈ બુદ્ધની ઉપાસના કરનારા અનેક લોકો હયાત છે. ઘણાખરા તો આ ઉપાસના નિયમિત કરનાર હોય છે, અને કેટલાક તો ઉપાસના વિના ભોજન ન લેવું એવા નિયમવાળા પણ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના ૦ ૦૦૧ હોય છે. ઉપર જણાવેલા અનેક દેવોની તથા દેવીઓની ઉપાસના કરવાનું કામ સરસ છે, લગીરે ખોટું અથવા અનુચિત નથી. પણ જેમ સ્વામીની ઉપાસના કરનારો, વિદ્યાની ઉપાસના કરનારો અને ધનની ઉપાસના કરનારો પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજે છે અને એમ સમજીને બરાબર નિષ્ઠાથી અને પ્રમાણિકતા સાથે ઉપાસના કરે તો જ લાભ મેળવે છે, તેમ આ દેવ અને દેવીઓની ઉપાસના વિશે પણ બરાબર સમજવાનું છે. પહેલાં તો એ ઉપાસકો તે તે દેવોની કે દેવીઓની ઉપાસના તેમની કુલપરંપરામાં ઊતરી આવેલી હોવાથી પોતે તે ચલાવે છે એમ તેઓ સમજે છે અને તે અંગે પોતાનો શું ઉદ્દેશ છે તે વિશે સ્પષ્ટ ભાન કે સમજણ તેમને હોતી નથી, એ વસ્તુ વિશેષ વિચારવા જેવી છે. કોઈ પણ પ્રવૃત્તિ દુન્યવી હોય યા આધ્યાત્મિક હોય, તે શરૂ કરતા પહેલાં દરેક પ્રવૃત્તિ કરનારે પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજવો એ જરૂરનું છે. એમ નહીં કરવામાં આવે તો તે ઉપાસના માત્ર સાદા ફેરા જેવી જ રહેવાની છે. તેમાંથી કોઈ જાતની પ્રેરણા મળવાનો સંભવ નથી. એથી જીવનની પ્રક્રિયામાં કશો જ ફેર પડવાનો નથી. આને પરિણામે એવી ઉદ્દેશ્યહીન ઉપાસના કશું જ ફળ આપવા સમર્થ નથી, એટલું જ નહીં પણ એવી આધળી ઉપાસના ઘણી વાર અનર્થ પણ પેદા કરે છે અને મનુષ્ય જીવનની બરબાદીનું કારણ અથવા નાસ્તિકવૃત્તિનું કારણ બની જાય છે. જ્યાં સુધી માણસ બાળક હોય, ઢીંગલા-ઢીંગલીની રમતો કરતો હોય, અને જ્યાં સુધી કોઈ જાતની વ્યાવહારિક બુદ્ધિનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તો એવી આંધળી અથવા નિર્દેશ ઉપાસના ભલે ચાલતી રહે અને એ રીતે એ ક્ષમ્ય પણ ગણાય. પરંતુ જ્યારે મનુષ્ય કાર્ય-અકાર્ય સમજવાની વયે પહોંચે, પોતાની બીજી બધી પ્રવૃત્તિઓની સાધનાના ઉદ્દેશો નક્કી કરી શકવા જેટલી બુદ્ધિ ધરાવે અને મોટાં મોટાં સાહસો કરી મોટા મોટા લાભો-પ્રતિષ્ઠા મેળવવા સુધીની શક્તિ ધરાવતો થાય, ત્યારે પણ તે તે દેવ-દેવીઓની આંધળી ઉપાસના જ ચાલુ રાખે અને કોઈ જાતના ઉદ્દેશ વિશે પોતાનો નિર્ણય નક્કી ન કરે, તો તે પોતાની જાતને ઠગતો હોય છે અથવા ધાર્મિકતાનો ડોળ કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તે ગમે તે ઉત્તમોત્તમ મનાતા દેવની ઉપાસના કરતો હોય તો પણ તેનો લાભ તેને જીવનમાં કે જીવન પછી પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - સંગીતિ કશો જ મળવાનો નથી એ હકીક્ત નિશ્ચિત છે. પેલી ત્રણ ઉપાસનાઓમાં તો જેમની જેમની ઉપાસના કરવાની છે તે આપણને પ્રત્યક્ષ છે, તેનાં સાધનો નજર ઉપર છે, એ સાધનાની-ઉપાસનાની પ્રક્રિયા આપણને લાભ થાય એ દૃષ્ટિએ આપણે યોજી શકવા વિચાર કરી શકીએ છીએ અને ધાર્યો લાભ ન થાય તો પ્રક્રિયામાં કોઈ ભૂલ હોવી જોઈએ એવો વિચાર કરીને જાગૃતિ સાથે પ્રક્રિયાને બદલી શકીએ છીએ. એ ત્રણે ઉપાસનામાં આપણો હેતુ તદ્દન સ્પષ્ટ હોય છે એથી જ આમ બની શકે છે. જયારે આપણે અમુક અમુક દેવ-દેવીઓની ઉપાસના કરીએ છીએ, ત્યારે એ દેવોમાંની કોઈ વ્યક્તિ આપણને પ્રત્યક્ષ નથી; એટલું જ નહીં, પણ કેટલાંક દેવ-દેવીઓ પૌરાણિક છે. જેઓ ઈશ્વરને વિયંભર, જગનિયંતા માનનારા છે, તેઓ ઈશ્વરને નિરાકાર અને સર્વવ્યાપક માને છે. આવો ઈશ્વર તો સર્વત્ર છે, એટલે એની ઉપાસના સામાન્ય મતિવાળા કેમ કરીને કરી શકે ? જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ પરિમાણ નથી તેની ઉપાસના કરવાનું ભારે અશક્ય છે. એટલે અનુભવી જ્ઞાની આચાર્યોએ તે ઈશ્વરનાં અમુક સ્ફલિંગો કપ્યાં અને તેમનાં નામ રામ, કૃષ્ણ, હનુમાન, ભદ્રકાળી, અંબાજી વગેરે રાખ્યાં; એટલું જ નહિ, એ સુલિંગોનાં માનવ જેવાં જીવનચરિત્રો પણ આપણી સામે રજૂ કર્યા, અને નિરાકાર નિરંજન વ્યાપક એવા ઈશ્વરની ઉપાસનાનો માર્ગ આપણા જેવા પૃથક્કરણ ન કરી શકે તેવી પ્રવાહપતિત વૃત્તિવાળાઓ માટે ઘણો જ સરળ કરી આપ્યો. જેમનાં અંતરચક્ષુ ખીલેલ છે, પૃથક્કરણશક્તિ જાગ્રત છે અને જેઓ જગતને જ ઈશ્વરનું રૂપ સમજી શકે છે, તેમને માટે મંદિરો કે મૂર્તિઓની અપેક્ષા ઓછી છે. તેઓ તો એક પુષ્પ જોઈને ઈશ્વરને સમજી શકે છે, ભર ઉનાળામાં લીલાંછમ જેવાં અને પુષ્પોથી લચી રહેલાં વૃક્ષોને જોઈને ઈશ્વરને સમજી શકે છે. માણસને જોઈને, પશુને જોઈને, ગંગાને, હિમાલયને, જ્વાળામુખીને અને ધરતીકંપ વગેરેને જોઈને ઈશ્વરનું સાંનિધ્ય અનુભવી શકે છે. પણ જેઓ આવા નથી અને ઉપર જણાવ્યા તેવા પ્રવાહપતિત પરંપરાને અનુસરનારા છે છતાં વ્યવહાર બુદ્ધિવાળાં છે, સારાસારને સમજી શકનારા છે, તેમને માટે ઉક્ત સ્ફલિંગોની કલ્પના અને તે કલ્પના દ્વારા તેમની અમુક આકારની મૂર્તિઓ સ્થાપિત કરી નિરાકાર નિરંજન ઈશ્વરની ઉપાસનાનો માર્ગ લોકહિતૈષી ઋષિમુનિઓએ ઘણો જ સરળ કરી આપેલ છે. ઉક્ત દેવોમાં કેટલાક ઐતિહાસિક છે અને Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના - ૨૦૩ તેઓ રામ, કૃષ્ણ, હનુમાન જેવા માનવરૂપે ઇતિહાસકાળમાં થઈ ગયા. તેમના જીવન અનુસાર આકારોને કલ્પી તેમની મૂર્તિઓ સ્થાપી તેમની ઉપાસનાનો માર્ગ પણ તે તે આચાર્યોએ સરળ કરી આપ્યો. જેમ ઈશ્વર નિરાકાર છે, તેથી તેની ઉપાસના કેમ થઈ શકે, એ એક પ્રશ્ન હતો, તેમ બુદ્ધ વગેરે અત્યારે તો નિરાકાર જ છે, અને આપણી સામે વિદ્યમાન નથી, તેથી તેમની ઉપાસના પણ કેમ કરીને કરવી એ અંગે પણ પ્રશ્ન જ હતો. આ બંને પ્રશ્નોનો ખુલાસો આપણા પૂર્વપુરુષોએ કરી આપેલ છે. આનું નામ સગુણોપાસના કહેવાય. હનુમાન બ્રહ્મચારી હતા, અસાધારણ વિનયી હતા. ભક્ત હતા, વજ જેવી કાયાવાળા હતા, અભિમાન વગરના હતા. જેઓ હનુમાનની ઉપાસના કરનારા છે તેમના મનમાં હનુમાનના પવિત્ર જીવનનો, તેમની ભક્તિયુક્ત વૃત્તિનો, તેમના અખંડ બ્રહ્મચર્યનો અને તેમની બજરંગતાનો એટલે વજાંગતા અર્થાત્ વજ જેવી કાયાનો ખ્યાલ સતત રહેવો જોઈએ. આવા ખ્યાલવાળો હનુમાનનો ઉપાસક માયકાંગલો, બીકણ, પવિત્રતારહિત, ભક્તવૃત્તિ વિનાનો કેમ કરીને રહી શકે? બેત્રણ કલાક સિનેમા જોનારના મન ઉપર તેની છાપ રહેતી હોય તો નિરંતર હનુમંત ભગવાન પાસે જનારાના મન ઉપર તેમના જીવનની, તેમના વ્યવહારની અને તેમની પવિત્રતાની છાપ કેમ ન બેસે ? ઉપાસના એટલે પાસે બેસવાની પ્રવૃત્તિ. જેઓ શ્રીહનુમંત પાસે નિયત બેસનારા છે તેમનું ચાલુ જીવન જરૂર પરિવર્તન પામવું જોઈએ. જો આમ ન થાય અને જેવું ઘરેડમાં છે એવું જ જીવન ચાલતું રહે તો પછી ઉપાસના અને અનુપાસનામાં ફેર ક્યાં રહ્યો ? ઉપાસના એક પ્રકારનો સત્સંગ છે. નિરંતર સત્સંગ થતો હોય, છતાં તેની છાપ આપણા મનમાં ન ઊપસે, તેમ આપણા શરીર દ્વારા તેનું આચરણ ન થાય તો સમજવું કે આ ઉપાસનાના આપણા ઉદ્દેશમાં કયાંક ભૂલ છે અથવા ઉપાસનાની પ્રક્રિયામાં ક્યાંક ભૂલ છે અથવા ઉપાસના માટે જે માહિતી મેળવવી જોઈએ તે મેળવી શકાઈ નથી, તેમ માનસિક અને શારીરિક તૈયારી થઈ શકી નથી. બાકી, જેઓ શ્રીહનુમંતની, શ્રીરામચંદ્રની, શ્રીકૃષ્ણની કે બુદ્ધ વગેરેની ઉપાસના કરનારા છે તેઓ બળવંત, પિતૃભક્ત, ભ્રાતૃસ્નેહી, કોઈ જાતની લાલચ વિના સત્કર્મ કરનારા અને પોતાના અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે ઉપર વિજય મેળવનારા બનવા જોઈએ. ભલે ધીરે ધીરે તેઓ પોતાના ઉપાસ્ય જેવા બને, પણ પ્રત્યક્ષ જીવનમાં એક એવી સ્થિતિ જરૂર આવી જવી જોઈએ કે તેઓ પોતાના Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ • સંગીતિ ઉપાસ્યની ઘણા નિકટ આવી જવા જોઈએ. તે જ પ્રમાણે જેઓ દુષ્ટોનો નિગ્રહ કરનારી અને સજ્જનોનું રક્ષણ કરનારી મહાશક્તિરૂપ દેવીઓની ઉપાસના કરનારા છે, તેમાં પણ દુષ્ટતા કેમ કરીને ટકી શકે ? સમસ્ત બ્રહ્માંડ ઉપર પ્રભુત્વ રાખવાવાળી એવી શક્તિના અખૂટ ખજાનારૂપ વિધવિધ દેવીઓના ઉપાસકો જો પોતે જ નબળા હોય, દુષ્ટતામાં રાચતા હોય, લાલચુ, લોભી અને અન્યાયકારી તથા વિશ્વાસઘાતી હોય તો પછી એમની દેવીઓની ઉપાસનાને ને એમને સો ગાઉનું છેટું છે, એમ જ માનવું જોઈએ. એટલું જ નહિ, પણ જો આવા ઉપાસકો પોતાના જીવનવહેણને જેમ છે તેમ જ ટકાવી રાખવા મથે એટલે પોતાના અન્યાયકારી વલણને, પરપીડકવૃત્તિને અને વિશ્વાસઘાતની વૃત્તિને જ વળગી રહે તો ખરેખર તે મહાદેવીઓ તેમનો જ નિગ્રહ કરીને તેમને પાંસરા કરશે એ એમની ઉપાસનાનું પરિણામ જરૂર એક કાળે આવવું જોઈએ. બાકી એ મહાશક્તિઓ પોતાને ઉપાસકોની ચાલુ અન્યાય-પરાયણ વગેરે પ્રકારની સ્થિતિ નાળિયેર ચડાવવાથી કે ધૂપદીપ યા નૈવેદ્ય ચડાવવાથી કે રૂપિયા-પૈસો નાખવાથી ચલવી લે વા સહી લે એમ તો ત્રિકાળે બનવાનું નથી, એ ચોક્કસ છે. ઉપાસના માટે ઉપાસના ઉપરાંત બીજા અનેક શબ્દો વપરાયેલ છે. પરિચર્યા, સેવા, ભક્તિ, પૂજા, પ્રસાદના, શુક્રૂષા, આરાધના, ઉપાસ્તિ, વરિવસ્યા, ઉપચાર અને પરીષ્ટિ. તાત્પર્ય એ છે કે, જેમ આપણે ધનની, સ્વામીની અને વિદ્યાની ઉપાસનાને સર્વાગી અથવા થોડે ઘણે અંશે આપણા પ્રત્યક્ષ જીવનમાં સફળ બનેલી જોઈએ છીએ, તેમ પૂર્વોક્ત દેવ-દેવીઓની ઉપાસના પણ આપણા પ્રત્યક્ષ જીવનમાં જ સફળ બનતી આપણે અનુભવવી એ ખ્યાલ અગત્યનો છે. પણ આમ કેમ બનતું નથી ? અને આવી પ્રવાહપતિતતા કેમ ચાલી રહી છે? આપણે ત્યાં જે વિવિધ દેવ-દેવીઓની ઉપાસનાઓ ચાલી રહેલ છે, તેમાંની એકે ઉપાસના અનુચિત છે વા ખોટી છે વા અસંયત છે, એમ કદી કોઈએ સમજવાનું નથી, તથા જે રીતે પ્રવાહપતિત આ ઉપાસનાઓ ચાલી રહેલ છે તે પણ નિષ્ફળ છે યા અનર્થકારી છે. એમ પણ ધારવાનું નથી. પરંતુ એ ઉપાસનાઓ કેમ તેના ખરા અર્થમાં સફળ બને, જીવતાં જ આપણે એમની સફળતાનો અનુભવ કેમ કરીને કરી શકીએ એ અંગે જ પ્રયત્નપૂર્વક વિચારવાનું છે. જ્યારે બાળક નિશાળે બેસે કે તરત જ કંઈ આંકડા માંડતાં કે Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના 0 205 વાંચતાં-લખતાં શીખી જતો નથી, પણ વખત જતાં તે જરૂર આંકડાં માંડતાં અને વાંચતાં-લખતાં શીખી જાય છે. શરૂશરૂમાં તો બાળક પાટી ઉપર માત્ર લીટા કાઢે છે, અને તે પણ સીધા નહિ પણ આડાઅવળા, તેમ આ પ્રવાહપતિત ઉપાસનાનું પણ બનેલ છે, એટલે પ્રવાહપતિત ઉપાસના ઉપાસનાની પ્રથમ ભૂમિકા છે, અને વાસ્તવિક ઉપાસનાનું પ્રથમ પગથિયું છે. હવે આગળનાં પગથિયાંઓ ઉપર કેમ કરીને ચડાય અને તે અંગે શું વિચારવું જોઈએ અને કેવો પ્રયત્ન કરવો જોઈએ એ જ હકીકત તરફ ધ્યાન દોરવાનું છે. - અખંડ આનંદ, જુલાઈ - 1962